પેપરમાં એક સમાચાર વાંચ્યા. લાંચ રૂશ્વટમાં પકડાયેલા અને સજા પામેલા કર્મચારીને ફરીથી એ જ ખાતામાં સમાવવા કે અન્ય ખાતામાં આની ગડમથલ ચાલી રહી છે. વિચાર આવે છે કે, જેને લાંચ-ભ્રષ્ટાચાર જેવા ગુનામાં સજા થઈ છે તેને ક્યા કાયદા હેઠળ પાછા લઈ શકાય? શું ન્યાયતંત્ર આટલું બધું ખાડે ગયું છે! લાંચકેસમાં પકડાયેલા કર્મચારીને અમુક સમય પછી પાછો હોદ્દા પર લેવો આવો કોઈ રૂલ્સ હશે. પરંતુ તો પછી એને લાંચ કેસમાં પકડવાની જરૂર જ શું છે જનતાને બતાવવા કે અમે કામગીરી કરીએ છીએ!
જેણે વર્ષો સુધી લાંચ ખાધી છે એણે એટલી રકમ તો ભેગી કરી જ લીધી હોય કે અમુક વર્ષોનો પગાર ના મળે તો પણ કોઈ વાંધો ના આવે. પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ગમે તેટલા ભ્રષ્ટાચાર હટાવવાના ભાષણો કરો, કે સંસદમાં કાયદા બદલવાની વાતો થાય પણ બધુ ઠામનું ઠામ જ રહે. કારણ લાંચિયા કર્મચારી કાયદાનો જ સહારો લઈને પાછો હોદ્દો મેળવી લે તો ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કેવળ પોકળ લાગે. શું આ સત્ય હકિકત જાણ્યા પછી ગૃહમંત્રી કાયદામાં ફેરફાર લાવી શકશે? કે પછી લાંચ પરમોધર્મ સમજીને બધુ ચાલવા દેવાશે?
સુરત – પી.એમ. કંસારા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.