સુરતઃ સરકારી કર્મચારી, અધિકારીઓ લાંચ લેતા પકડાય તે તો સાંભળ્યું, જોયું અને વાંચ્યું હશે પરંતુ પ્રજાની સેવા કરવા માટે પ્રજાના મતથી ચૂંટાઈને આવેલા નગર સેવકો લાંચના ગુનામાં પકડાઈ તેવું સાંભળ્યું છે?, આવી ઘટના બની છે સુરતમાં. સુરત શહેરમાં બે કોર્પોરેટરો રૂપિયા 10 લાખની લાંચના ગુનામાં પકડાયા છે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.53 ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે માટે ‘પે એન્ડ પાર્ક’નો કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ ‘પે એન્ડ પાર્ક’ની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલી છે.
દરમિયાન સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઇ સુહાગીયાનાઓએ આ ‘પે એન્ડ પાર્ક’ ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી અને તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું કહી બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યું હતું અને ત્યારબાદ આ બંન્ને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય તો રૂા.11 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી.
આ અંગે બંન્ને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી હતી. રકઝકને અંતે રૂા. 10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ‘ડોક્યુમેન્ટ’ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા, જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટરે એસીબીમાં ઓડિયો રેકોર્ડિંગ સાથે ફરિયાદ કરી
આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ વાતચીતના રેકોર્ડીંગની CD સાથેની વિગતવારની અરજી એ.સી.બી.માં કરી હતી. એ.સી.બી. દ્વારા CD નું ‘No-Tempering’ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઇસ સ્પેક્ટોગ્રાફી’ પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું. આ પરિક્ષણમાં રજુ થયેલ CD માં અરજદાર/ કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્વારા સર્ટિફિકેટ અપાયું હતું.
આખરે બંને કોર્પોરેટરો જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલીત થતા આ અંગે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકનાઓએ સરકાર તરફે ફરિયાદી બની 10 લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધાવ્યો છે. આ કેસનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામકશ્રી આર.આર.ચૌધરી કરી રહ્યાં છે.