Vadodara

ગોત્રીના યશ કોમ્પ્લેક્સ પાસે લાઈનમાં ભંગાણ : હજારો લીટર પાણીનો વેડફાટ

વડોદરા: વડોદરામાં ઉનાળાની શરૂઆતે પાણીની લાઈનમાં ભંગાણ પડવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો હતો.શહેરના ગોત્રી યશ કોમ્પ્લેસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જવાનોએ બેરીકેટ લગાવી અકસ્માત થવાની ઘટના ટાળી હતી.
સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ પડવાની સમસ્યા આમ બની ગઈ છે.દર વખતે ઉનાળામાં પાણીની લાઈનોમાં ભંગાણ પડવાથી છાશવારે હજારો લીટર પાણી વહી જતું હોય છે.

ત્યારે વધુ એક વખત શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.શહેરના ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા.ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જેના કારણે પસાર થતા વાહનચાલકોને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.જ્યાં પાણીની લાઈન લીકેજ થઈ હતી ત્યાં એક ચેમ્બર બનાવાયું હતું.

જો કોઈ ભારદારી વાહન અહીંથી પસાર થાય તો મોટી દુર્ઘટના થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તુરંત આ દ્રશ્યો જોઈ બેરીકેટ મૂકી દીધા હતા અને અકસ્માતનું જોખમ ટાળ્યું હતું. મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા પણ આ જ માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું.તે વખતે પણ હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રોડ પર વહી ગયું હતું.

મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોએ મુશ્કેલી અનુભવી
શહેરના રાવપુરા ખાદીગ્રામ ઉદ્યોગની સામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની બહાર વહેલી સવારે પાણીનો વાલ્વ લીકેજ થતા રોડ પર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. પાણી વિતરણના સમયે ઘણી વખત આ પ્રકારે વાલ્વ લીકેજ થવાની ઘટના બની છે. ત્યારે વધુ એક વખત મહાદેવ મંદિર બહાર જ પાણીનો વાલ્વ લીકેજ થતા દર્શનાર્થે આવતા ભક્તોએ મુશ્કેલી અનુભવી હતી.

Most Popular

To Top