બ્રાઝિલના કેટલાંક નેતાઓ અપશબ્દોમાં સમય વેડફતાં નથી, બોક્સિંગ રીંગમાં કરી લે છે ફેંસલો! રાજકારણમાં વાત ચર્ચાથી શરૂ થાય પછી વાદ-વિવાદ થાય, નેતાઓ એકમેકની વાતને સ્વર બદલીને કાપી નાખે, વાતમાંથી વિનય અને વિવેક બાદ કરી નાખે, વિષય તો ભૂલાઈ જ ગયો હોય અને ઘોંઘાટમાં સમય સરી જાય, આ લગભગ બધાં દેશના રાજકારણીઓની રાજપાટ ચલાવવાની માસ્ટર ચાવી છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં પણ રાજકારણીઓ ચર્ચા અને બેઠકો કરી પતાવટ કરી લેતાં હોય છે પણ ક્યારેક ચર્ચા અને બેઠકો સભ્યતા વિરુદ્ધ ઉઠાપટકનું સ્વરૂપ ધારણ કરી લે છે અને બન્યું પણ એવું જ બ્રાઝિલના બે ધુરંધર નેતાઓનો મતભેદ ચરમસીમા પાર કરી ગયો. વિચારોનું આદાનપ્રદાન કામ આવ્યું નહીં, ઉગ્ર વિરોધ એટલો પ્રચંડ બન્યો કે બંને તેનો ફેંસલો કરવાં બોક્સિંગ રીંગમાં ઉતર્યા. મનૌસથી ૯૦ માઈલ અંતરે બોરબા નગરના મેયર સીમાઓ વિકસોટો અને પૂર્વ કાઉન્સિલર તથા વિપક્ષના નેતા ઇરિનેયુ ડી સિલ્વા રીતસર હાથમાં બોક્સિંગ ગ્લવ્ઝ પહેરી રીંગમાં ઉતર્યા. બંને હાથ મિલાવી મુક્કો ઉગામે તે પહેલાં ઘણી તૈયારી સ્ટેડિયમમાં થઈ ચૂકી હતી. લોકોમાં આ ખાસ ફાઈટની ચર્ચા હતી, ટેકેદારોમાં ખટપટ થઈ.
મૂળ વાત શહેરના મડેઇરા નદી નજીક વોટર પાર્ક સાચવવા અંગે મેયર વ્યર્થ સાબિત થયા તે અંગેની હતી, જે મેયર માનવા તૈયાર નહોતા. કોઈપણ રીતે સમાધાન ન નીકળતા પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના નેતા આલભાસ ડી સાલ્વાએ મેયર વિકસોટોને સીધી ચેલેન્જ પડકારી કે હવે આ વિવાદનો ફેંસલો બોક્સિંગ રીંગમાં જ કરવા આવો જે ફાઈટ જીતે તે સાચો! મેયર સીમાઓ વિકસોટો રીઢા રાજકારણીની જેમ પહેલાં તો ગોળગોળ વાતોમાં ફેરવવા લાગ્યાં પણ તેમણે જોયું કે હવે વાતોથી જીતી શકાય તેમ નથી એટલે ચેલેન્જ સ્વીકારી પણ રાજકારણી ઢબે ખુલાસો પણ કરી દીધો કે હું સ્ટ્રીટ ફાઈટર નથી, હું બોરબા નગરપાલિકાનો આબરૂદાર મેયર છું.
જો ઇરિનેયુ ડી સિલ્વા ફાઈટ મુક્કા અને લાતથી નિવેડો કરીને આ વિવાદનો છેડો લાવવા માંગતા હોય તો આવી જાય રીંગમાં, જીતવાનો મારો મિજાજ હંમેશાં રહ્યો છે અને રીંગમાં પણ વિજેતા રહીશ, સ્વભાવ પ્રમાણે ઘોષણાપત્ર તો સંભળાવી દીધું! એક મહિના પછી, રવિવારની સવારે લડાઈ શરૂ થઈ, રવિવારે રજાના દિવસે એક સ્કૂલની વ્યાયામશાળાના સ્ટેડિયમમાં બોક્સિંગ ફાઈટનું આયોજન થયું, ટિકિટો કાપવાનું કામ વ્યાયામશાળાના કસરતબાજ માસ્તરે પોતાના માથે લીધું હતું, તેણે પ્રચાર પણ સારો કર્યો અને સેંકડો ટિકિટો વેંચી. સ્ટેડિયમમાં જબરજસ્ત ગિરદી જમાવી! જો કે બંને નેતાઓના ટેકેદારોએ જગ્યા રોકી સ્ટેડિયમ પહેલાં તો ભરી દીધું, પછી નારાઓથી દેકારો મચાવ્યો, ટિકિટ બારીઓ પણ છલકાઈ, નેતાઓની બોક્સિંગ મેચ જોવાં સાડા સાત હજાર રિઆલની ટિકિટો કપાઈ. રેફરીએ બોક્સિંગ નિયમો રીંગ પર નેતામાંથી ખેલાડી બનેલાં બે તગડા રાજકારણીઓને સમજાવ્યા, બે હરીફોએ ફાઈટ પહેલાં હાથ મિલાવ્યા.
જો કે રાજકારણીઓ હાથ તો મિલાવતાં જ રહે છે પણ હાથ ક્યારે છોડાવે તે કોઈ જાણી શક્યું નથી! પછીનું દ્રશ્ય બિલ્કુલ બોક્સિંગ રિંગ જેવું જ હતું, ફૂટબોલ ટીમના સમર્થકોની જેમ બે ભાગમાં બંને કદાવર નેતાઓના સમર્થકો વહેંચાઈ ગયા હતાં. રીંગમાં મુકકાબાજી થાય તે પહેલાં સમર્થકો વચ્ચે હોબાળો મચી ગયો, સમર્થકો પોતાના નેતાને જીતાડવા સૂત્રો પોકારવા લાગ્યા, સામાન્ય સ્થિતિમાં ફૂલમાળા કે ગુલદસ્તો સ્વીકારી હસતું મોઢું રાખી સહુને હાથ હવામાં દેખાડી રાજી રાખતાં નેતાઓ આજે સમર્થકો સામે લડવા ઉતર્યા ત્યારે મોઢા પર સ્મિત ફરકાવી શક્યા ન્હોતા! પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના નેતા આલભાસ ડી સાલ્વાને લોકોએ તેના લાડકા નામ મિરિકો પોકારી જોશ ચડાવ્યો જ્યારે મેયર સીમાઓ વિકસોટોએ કાળો ટુવાલ જેના પર જીસસ ગૂંથેલું હતું તે એક હાથમાં રાખી બીજા હાથે વિકટરીનો સંકેત બે આંગળીઓ અંગ્રેજી મૂળાક્ષરના V આકારમાં દેખાડી ટેકેદારોનો હલ્લો જોરશોરથી કરાવ્યો.
ફાઈટ શરૂ થઈ એટલે નેતાઓ દમ લગાવીને એકમેક પર મુક્કા ઉગામવા લાગ્યા. ઓડિયન્સમાંથી અવાજો આવવા લાગ્યા કમ ઓન હીટ હિમ! દમદાર મુકકાબાજી ચાલી, ભારી ગ્લવ્ઝ ધનાધન ટકરાવવા લાગ્યા, બહુ અલગ પ્રકારનું રાજકારણ ખેલાઈ ગયું.
ક્યારેક કાઉન્સેલરનો મુક્કો ભારે પડતો લાગતો તો ક્યારેક મેયર મુકકાઓ સતત ફટકારી બાજી ફેરવી દેતાં. મેચ રોમાંચક બની. લોકો ટીકીટ લઈને આવ્યાં હતાં એટલે તેમને ફાઈટ જોવાની જ તાલાવેલી હતી. ભારે મુકકાબાજી થઈ, અચ્છા ખેલાડીની જેમ મેયર મુક્કો ઉગામવામાં જેટલાં ઉસ્તાદ હતાં એટલાં સામેથી ઝીંકાંતો મુક્કો ફોગટ કરી દેતાં, ૩૯ વર્ષના સીમાઓ વિકસોટોએ લાગલગાટ તેર મિનિટ સુધી ૪૫ વરસના ઇરિનેયુ ડી સિલ્વા પર મુક્કાઓનો પ્રહાર કર્યો. આક્રમક બોક્સિંગ કરી, મેયર સીમાઓ વિકસોટોને સામે લાતો પડી. ત્રણ રાઉન્ડ સુધી રોમાંચક અને રસાકસી સાથે લાત મુક્કા ચાલ્યાં પણ પોઇન્ટ મેયરને વધારે મળ્યાં અને તે ધોરણે મેચ જીતી ગયા, જેમ હંમેશા થતું આવ્યું છે તેમ બંને નેતાઓના અંગરક્ષકો અને સમર્થકો પણ પરિણામ પછી બાખડી પડ્યાં. વગર નીતિનિયમોની છૂટે હાથે માર ધોલાઈ થઈ,
આ આખી રમતનો વિડીયો ઉતારવામાં આવ્યો અને તે લોકોએ રસ લઈને જોયો. નેતાગીરીની અજબ રાજનીતિ હાથ અને પગની મદદે ઉછળતાં અને સ્તરથી ઉતરતાં જોઈ! શરત મુજબ વોટર પાર્ક બાબતમાં મેયર સાચા હતા તે પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના નેતા ઇરિનેયુ ડી સિલ્વાને માનવું પડ્યું! આ ફાઈટની બ્રાઝિલમાં ખૂબ ટીકા થઈ, કેટલાંક લોકોનું માનવું હતું કે ‘’બ્રાઝિલની રાજનીતિ મોડેથી બોક્સિંગ અને મારકૂટ બની ગઈ છે. તે ભયાનક છે,” એક વિવેચકે કહ્યું કે ‘અમે જંગલી પશ્ચિમ બની ગયા છીએ.’
નાગરિકોમાં પધ્ધતિની પ્રશંસા પણ થઈ કે સમય બગડ્યો નહીં, તર્ક-વિતર્ક નહીં જ્યારે કોઈ વિવાદ થાય કે નિર્ણય અંગે તકરાર થાય તો સિક્કો ઉછાળી નિર્ણય ન લેવો, બલ્કે બોક્સિંગ કરી હારજીત કરી લેવી, ટિકિટો વેંચાય, રકમ પણ ઊભી થાય, મનોરંજન પણ થાય, નાગરિકો તો વગર વાંકે ગમે ત્યારે વગર ફાઈટે કૂટાઈ જતાં હોય છે, નાગરિકોના મુદ્દે જો નેતાઓ રીંગમાં ઉતરી બોક્સિંગ લડી ત્રણ રાઉન્ડમાં ફેંસલો કરી લેતાં હોય તો તે ન્યાય કહો તો ન્યાય સાથે ગરમાગરમ મુક્કા પડે તે મનોરંજન રિપબ્લિક ઢબે ચૂકાદો અને મૂળ વાત પૈસા વસૂલ!