સુરત: દિવાળીની (Diwali) સિઝન પહેલા કાપડ માર્કેટમાં (Textilei Market) શરૂ થયેલી તેજી ચાલુ રહેતા વેપારીઓને (Traders) કોરોનાના (Corona) દોઢ વર્ષ પછી સારો વેપાર થવાની આશા જાગી છે. અત્યારે દિવાળી, છઠપૂજા, પોંગલ જેવા તહેવારો અને લગ્નસરાની ખરીદી ચાલતી હોવાથી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ સ્થાનિક અને બહારગામના કેટલાક કાપડના વેપારીઓ જૂનુ પેમેન્ટ ચૂકવવા માટે નવો માલ આપવા માટેની શરત મૂકી રહ્યા છે. તેને લઇને સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશને (South Gujarat Textile Traders Association) આકરો નિર્ણય લીધો છે.
એસોસિએશનના પ્રમુખ સુનિલ જૈને પત્રકારોને જણાવ્યું હતું કે, વેપારીઓને ચેતવવામાં આવ્યા છે નવી ઉધારી કરવાનું ટાળવું જોઇએ. જે વેપારીઓ જુલાઇ 2021 સુધીનું પેમેન્ટ ચૂકતે ન કરે તેવા વેપારીઓ સાથે વેપાર અટકાવી દેવો પડશે. કોરોનાની બે લહેરને લીધે સુરતની કાપડ માર્કેટે લગ્નસરા, રમઝાન ઇદ, આડી જેવી સિઝનનો વેપાર ગુમાવવો પડયો હતો.
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા છતાં યુનિફોર્મનો વેપાર પણ ગુમાવવો પડયો હતો. હવે જયારે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે જૂના વેપારધારા પ્રમાણે વેપારી કરતા અટકવું જોઇએ. સ્થાનિક અને બહારગામના કેટલાક વેપારીઓ જૂની ખરીદીનું બિલ અટકાવી નવો માલ મોકલવાની અને જૂનુ પેમેન્ટ લેવાની અવ્યવહારિક શરત કરી રહ્યા છે. આવા લેભાગુ વેપારીઓ સાથે વેપાર કરવો ન જોઇએ. જે વેપારીની મજબૂરીનો લાભ ઉઠાવતા હોય.
ઉત્તર અને દક્ષિણ ભારતના રાજયોનો વેપારીઓ પાસે કોરોનાકાળ દરમિયાનનું કરોડોનું પેમેન્ટ ફસાયું છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પ્રોસેસિંગ જોબવર્ક ચાર્જ અને પેકેજિંગ ચાર્જ વધ્યો છે ત્યારે ફાઇનલ પ્રોડકટ ખૂબ મોંઘી પડી રહી છે એવા સમયે જૂના પેમેન્ટ સામે નવો માલ માંગનાર વેપારી સાથે વેપાર ટાળવો જોઇએ. જુલાઇ 2021 સુધીનું જૂનું પેમેન્ટ જે વેપારી નહીં ચૂકવે તેની સાથે એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓ વેપાર કરશે નહીં અને સોશિયલ મિડીયામાં પેમેન્ટ દબાવી બેસેલા વેપારીઓની વિગતો જાહેર કરવામાં આવશે.