સુરતઃ શહેરના પાલ ગૌરવપથ રોડ પર આવેલા મહિન્દ્રા કંપનીના કારના શો રૂમમાં મોટી દુર્ઘટના બની છે. અહીં આગ લાગી છે, જેમાં થાર સહિતની મોંઘી કાર સળગી છે. દશેરા પર ડિલીવરી માટે શો રૂમમાં મુકવામાં આવેલી નવી નક્કોર કાર સળગી જતા મોટું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલના ગૌરવપથ રોડ પર આવેલા મહિન્દ્રા કંપનીના શો રૂમના વર્કશોપમાં આજે મંગળવારે તા. 30 સપ્ટેમ્બરના રોજ આગ લાગી હતી. એક થાર કારમાં આગ લાગી હતી, જે બાદમાં વધુ ફેલાઈ હતી. જોકે, સદ્દનસીબે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને મોટી દુર્ઘટનાને ટાળી હતી. એક કાર બળીને ખાક થઈ ગઈ હતી.

આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વર્કશોપની અંદર પાર્ક થાર કારમાં કોઈ કારણસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વર્કશોપના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાહકો પણ ગભરાયા હતા. સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો, પરંતુ આગ પર કાબુ મેળવી ન શકાયો હતો. ફાયર વિભાગે આવી આગ ઓલવી હતી.
દશેરાના લીધે શો રૂમમાં કારનો સ્ટોક
આજે આઠમ અને આવતીકાલે નોમ પછી ગુરુવારે દશેરો છે. અત્યારે કારનું વેચાણ આસમાને પહોંચ્યું છે. તેથી આઠમ, નોમ અને દશેરા પર કારની ડિલીવરી કરવાની હોય હાલમાં શો રૂમમાં નવી નક્કોર કારનો સ્ટોક પડ્યો હતો. જો આગ એક કારથી વધુ ફેલાતે તો મોટું નુકસાન થવાનો ભય હતો. સમયસર આગ પર કાબુ મેળવી લેવાયો હોવાથી મોટું નુકસાન થતું બચાવી શકાયું હતું.