પ્રદૂષણ બાબતે કોઈ નાગરિક ગમે એટલો સભાન કે જાગ્રત હોય, તે પોતે જાણ્યેઅજાણ્યે પણ પ્રદૂષણ ફેલાવવા માટે નિમિત્ત બની રહેતો હોય એમ બને છે. શાકભાજી કે અન્ય ખાદ્ય ચીજો માટે કપડાની થેલીઓ વાપરીએ તો પણ જીવનજરૂરિયાતની વિવિધ ચીજોના પેકેજિંગમાં વપરાતું પ્લાસ્ટિક અનિવાર્ય અનિષ્ટ બની રહ્યું છે. પ્લાસ્ટિકનો આવિષ્કાર થયો ત્યારે તે વિવિધ નૈસર્ગિક ચીજો કે તેના થકી બનતી અન્ય ચીજોના મજબૂત વિકલ્પ તરીકે થયો હશે, પણ તેની વિશેષતાઓ જ પર્યાવરણ માટે નુકસાનકર્તા બની રહી છે. હવે તો આ સમસ્યા એ હદે વકરી ગઈ છે કે તેનો ઉકેલ વિચારવો લગભગ અશક્ય થઈ ગયો છે. આમ છતાં, તેની કેટલીક વિશેષતાઓ એવી છે કે તેનો ઉપયોગ દિનબદિન વધતો જ રહ્યો છે.
અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે જાગૃતિ ફેલાવવા માટે કાર્યરત છે અને એ માટે તેઓ જાતજાતના કાર્યક્રમો યોજે છે. અલબત્ત, જાગૃતિ આવી ગયા પછી પણ કેટલીય બાબતો એવી છે કે જે વપરાશકર્તાના હાથની વાત નથી હોતી. ‘બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક’(બી.એફ.એફ.પી.) નામની એક ચળવળ વૈશ્વિક સ્તરે ચાલી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. વિશ્વભરનાં અનેક સંગઠનો અને વ્યક્તિઓ તેની સાથે સંકળાયેલાં છે. આ ચળવળ અંતર્ગત 2018થી વિશ્વભરમાં સૌથી વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનારની ઓળખ કરવામાં આવે છે. ‘બ્રાન્ડ ઑડિટ’નામના આ કાર્યક્રમમાં ‘બ્રાન્ડેડ’પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવામાં આવે છે, તેની ગણતરી કરવામાં આવે છે અને દસ્તાવેજીકરણ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનાર કંપનીની ઓળખ કરવામાં આવે છે.
આ કાર્યક્રમનો વર્ષ 2023નો અહેવાલ ફેબ્રુઆરી, 2024ના મધ્યમાં પ્રકાશિત કરાયો. 2023માં કુલ 41 દેશોમાં બધું મળીને અઢીસો જેટલાં બ્રાન્ડ ઑડિટ હાથ ધરવામાં આવ્યા, જેમાં 8,804 સ્વયંસેવકોએ ભાગ લીધો. આ સૌએ મળીને 5,37,719 નંગ પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો. કુલ 3,810 મુખ્ય કમ્પનીઓની 6,858 બ્રાન્ડનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. એમાં ઓળખી કઢાયેલી પ્લાસ્ટિક પ્રદૂષણ કરતી વિશ્વની ટોચની દસ કંપનીઓ અને તેમના પ્લાસ્ટિક કચરાની વિગત આ મુજબ છે: કોકાકોલા (પ્લાસ્ટિકની બૉટલ), નેસ્લે (બૉટલ અને ખોરાકી રેપર), યુનિલીવર (ડિટરજન્ટ, સેશે અને બૉટલ), પેપ્સિકો (ખોરાકી રેપર અને બૉટલ), મોન્ડેલીઝ ઈન્ટરનેશનલ (ખોરાકી રેપર, કેન્ડી રેપર અને ફુડ પેકેજિંગ), માર્સ (ખોરાકી રેપર અને કેન્ડી રેપર), પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (સેશે અને ડાયપર), ડેનન (બૉટલ, તેનાં ઢાંકણાં અને લેબલ), અલ્ટ્રીઆ (સિગારેટનાં ઠૂંઠાં) અને બ્રિટીશ અમેરિકન ટોબેકો (સિગારેટનાં ઠૂંઠાં). મુખ્ય પાંચ પ્રકારનો પ્લાસ્ટિક કચરો મળી આવ્યો, જેનું વર્ગીકરણ કંઈક આવું છે: પ્લાસ્ટિકની બૉટલોની સંખ્યા 1,04,771, ખોરાકી રેપરની સંખ્યા 66,968, પીણાંનાં પાત્રોની સંખ્યા 37,897, યોગર્ટનાં પાત્રોની સંખ્યા 18,143 અને ચીઝ પેકેજિંગની સંખ્યા 12,022.
આ ઑડિટનો આરંભ થયો ત્યારથી એટલે કે 2018થી કોકાકોલા, પેપ્સિકો અને નેસ્લે પ્રદૂષણ ફેલાવનાર મુખ્ય કંપનીઓમાં ટોચ પર રહી છે. 2023માં પેપ્સિકો કંપની પર ન્યૂ યોર્ક સ્ટેટ એટર્ની જનરલ દ્વારા દાવો માંડવામાં આવ્યો હતો, જેમાં ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ને નાબૂદ કરવાના પોતાના ધ્યેય બાબત લોકોને ગેરમાર્ગે દોરવા તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ બનવા બદલ તેને જવાબદાર ઠેરવવામાં આવી હતી. એ અગાઉ 2020 અને 2021માં કોકાકોલા કંપની પર જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, એમ 2023માં યુરોપમાં પણ તેની સામેનો વિરોધ વધતો જણાયો હતો. બી.એફ.એફ.પી.નાં સભ્ય સંગઠનોએ ફ્રાન્સમાં ડેનન કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આરંભી હતી. ‘100 ટકા રિસાયકલ કરેલું’ અને ‘100 ટકા રિસાયકલ થઈ શકે એવું’ પ્લાસ્ટિક વાપરવાના પોકળ દાવા કરીને કંપનીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનું તેમાં જણાવાયું છે.
આમાંની મોટા ભાગની કંપનીઓ પોતે પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, પણ એ કેવળ જાહેરખબર પૂરતો! નથી તેઓ પોતાના વ્યવસાયની નીતિમાં કોઈ ફેરફાર કરતા કે નથી એ દિશામાં કોઈ નક્કર વિચારણા કરતા. આથી જ, ‘બી.એફ.એફ.પી.’એ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવતી આ કંપનીઓ પાસે કેટલીક માગણી કરી છે. આ કંપનીઓ વિવિધ દેશનાં બજારોમાં વપરાતાં પેકેજિંગ અને એ પેકેજિંગમાં વપરાતાં રસાયણોના પ્રકાર તેમજ જથ્થા વિશેની વિગતો જાહેર કરે. પ્લાસ્ટિકને સળગાવવા કે રાસાયણિક રીતે રિસાયકલ કરવા જેવા ખોટા ઉકેલોને સમર્થન ન આપે. ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ને બદલે જૈવિક સામગ્રી આધારિત પ્લાસ્ટિક કે વિઘટનક્ષમ પ્લાસ્ટિક જેવી નવતર સામગ્રી પર આધારિત વ્યાવસાયિક મોડેલ તૈયાર કરવામાં આવે. તમામ બજારમાં સુલભ, પોસાય એવો પુનરુપયોગ, રિફીલ કે પેકેજિંગ વિનાની વિતરણપ્રણાલી વિકસાવવામાં, રોકાણ કરવામાં આવે અને સંબંધિત તમામ કામદારોને વાજબી તેમજ ન્યાયી રીતે સંક્રાંત કરવામાં આવે.
આ માગણીઓ એવી છે કે એનો ઉકેલ રાતોરાત ન આવી શકે, પણ આજે એની પર વિચાર કરવામાં આવે તો કાલે એ દિશામાં કંઈક આગળ વધી શકાય. તગડો નફો રળતી, જાહેરખબરો પાછળ અઢળક ખર્ચ કરતી આ કંપનીઓને પોતાના સામાજિક ઉત્તરદાયિત્વનું ભાન કરાવવાનો આ ચળવળનો મુખ્ય હેતુ છે. ‘બી.એફ.એફ.પી.’વિવિધ દેશોમાં, સ્થાનિક સંગઠનો અને સ્વયંસેવકોની સહાયથી બ્રાન્ડ ઑડિટનું કામ કરી રહ્યું છે. આ કાર્યક્રમની અવારનવાર તે જાહેરાત કરે છે અને સૌને જોડાવા માટે અપીલ પણ કરે છે. વ્યક્તિગત સ્તરે આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવું પડે તો ખંચકાટ થાય છે, જ્યારે આવડી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓ કશા ડર વિના, નિર્લજ્જપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારતી રહે છે. બીજા અનેક ઉપાયોની સાથોસાથ તેમનાં ઉત્પાદનો ન ખરીદવાનો પણ એક ઉપાય તેમને પાઠ ભણાવવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.