બીલીમોરા : આગામી શુક્રવારે બીલીમોરા (Bilimora) નગરપાલિકાની યોજાનારી સામાન્ય સભાના એજન્ડામાં (Agenda) વોટર વર્કસના (Water Works) મહિલા ચેરમેન (Chairman) રમીલાબેન ભાદરકાને ભાજપની (Bjp) નગરપાલિકાની બોડીએ ચેરમેન પદેથી અને વિવિધ કમિટીના સભ્ય પદેથી દૂર કરવાનું કામ એજન્ડામાં લેવાતા મહિલા ચેરમેન આઘાતમાં સરી પડ્યા છે. તેઓને બ્રેન સ્ટ્રોકનો હુમલો (Brain Stork attack) આવતા તેમને વલસાડ (Valsad) સિવિલમાં (Civil) સારવાર અપાઇ રહી છે.
આગામી શુક્રવાર 10 ડિસેમ્બરે સાંજે પાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીની અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી છે, જેમાં 32 કામો લેવામાં આવ્યા છે, જે પૈકી કામ નંબર 31 અને 32 માં વોટરવર્કસ સમિતિના ચેરમેન પદ ઉપરથી રમીલાબેન ભાદરકાને દૂર કરી તેમની જગ્યા ઉપર બાકી રહેલી મુદત માટે નવા ચેરમેનની નિમણૂંક કરવાનું કામ તથા પાલિકાની તમામ સમિતિમાંથી પણ રમીલાબેન ભાદરકાની સદસ્યતા રદ કરી બાકી રહેતી મુદતમાં અન્ય સભ્યોની નિમણૂંકનું કામ લેવામાં આવ્યું છે. અને તેની કોપી મહિલા ચેરમેનને મળતા જ તેઓ ભાંગી પડ્યા હતા. જે બાદ તેઓને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવતા તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે.
રમિલાબેન ભાદરકાને વોટર વર્કસ સમિતિના ચેરમેન પદેથી અને અન્ય સમિતિના સભ્ય પદેથી હટાવવાનું કામ કોના ઇશારે લેવામાં આવ્યું છે તે હજુ સ્પષ્ટ નથી. પણ બીલીમોરા ભાજપે તેમને કારણ દર્શક નોટીસ આપીને ખુલાસો માંગ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તેઓના પતિ હરીશ ભાદરકા અને વોટર વર્કસ વિભાગના કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં કોન્ટ્રાક્ટરે નગરપાલિકા પ્રમુખ, સી.ઓ., ઇજનેર તથા એકાઉન્ટન્ટને બિલ મંજૂર કરવાના 10 ટકા રકમ ચૂકવી હતી. પક્ષ દ્વારા એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઓડિયો ક્લિપ વાઇરલ થવાની પાછળ મહિલા ચેરમેન અને તેના પતિનો જ હાથ હોવાથી તેને કારણે પક્ષની છબી ખરાબ થઇ હોવાનું જણાવ્યું હતું.
ન્યાય મળવાને બદલે ફરિયાદીને જ આરોપી બનાવી દેવા જેવો ઘાટ સજાર્યો
હરીશ ભાદરકાના જણાવ્યા મુજબ ઓડિયો ક્લિપ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારનો (Corruption) પુરાવો છે. આની માહિતી શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલને તેઓએ આપી પક્ષની છબી બગડતી અટકાવવા અને જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી હતી, તો ઊલટાનો ન્યાય મળવાને બદલે ફરિયાદીને જ આરોપી બનાવી દેવા જેવો ઘાટ થયો છે. આમ આ વાત પછી એક સંદેશ જરૂર વહેતો થયો છે કે જે સામે પડશે તેના આવા જ હાલ થશે, એટલે કે અવાજ ઉઠાવો નહીં, મોઢું બંધ રાખવું. કાયમ માટે વિવાદમાં રહેવા માટે ટેવાયેલી બીલીમોરા નગરપાલિકામાં આ એક નવો વિવાદ ઉમેરાયો છે તેની પુષ્ટિ કરવા માટે પાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીનો સતત સંપર્ક કરવા ઘણી કોશિશ કરી પણ તેમનો ફોન સ્વીચ ઓફ હોવાથી તેમની સાથે મોડી સાંજ સુધી વાત ન થઈ શકી.