સુરત: ધૂળેટીના દિવસે રંગોની લાગણીથી એકબીજાને રંગવાની પરંપરા છે પરંતુ સુરતના 75 વર્ષીય વૃદ્ધે અંગદાન કરી એક બિમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા હતા.
આ કિસ્સાની મળતી વિગત અનુસાર BE ઈલેક્ટ્રીકલ એન્જીનીયર અને હાલમાં નિવૃત જીવન વિતાવતા ભરતભાઈ કાંતિલાલ માંડલેવાલા (રહે. બી-૬૧, શાંતિ નિવાસ, દિવાળીબાગ, અઠવાગેટ, સુરત) તેમના પરિવાર સાથે રહેતા હતા. તા. ૨૨ માર્ચના રોજ ભરતભાઈ ને ગરદનમાં અસહ્ય દુઃખાવો થતા સ્પાઈન સર્જન ડૉ. ધ્રુવીન પટેલ ને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા,
ડૉ. ધ્રુવીનભાઈ એ નિદાન માટે CT સ્કેન કરાવતા મણકાની આજુબાજુ અને મણકામાં ઈન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. તા. ૨૩ માર્ચ ના રોજ ડૉ. ધ્રુવિન પટેલે મહાવીર હોસ્પિટલ માં ભરતભાઈ ના મણકામાં લાગેલો બગાડ દુર કરવાની સર્જરી કરી હતી. સર્જરી કર્યા બાદ MRI કરાવતા ભરતભાઈને બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવ્યો હોવાનું નિદાન થયું હતું.
તા. ૨૪ માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. કરસન નંદાનીયા, ન્યુરોફીઝીશિયન ડૉ. સિદ્ધેશ રાજ્ય્ધ્યક્ષ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. નિમિશ પરીખે ભરતભાઈ ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ભરતભાઈને ડોકટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પુત્ર સિધ્ધાર્થે ભરતભાઈ ના પિતરાઈ ભાઈ અને ડોનેટ લાઈફનો સંપર્ક કરી ભરતભાઈના બ્રેઈનડેડ અંગેની અને તેમના અંગદાન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ડોનેટ લાઈફની ટીમ મહાવીર હોસ્પિટલ પહોંચી ત્યારે ભરતભાઈના પત્ની સુધાબેન તથા પુત્રો અપૂર્વ અને સિધ્ધાર્થે જણાવ્યું કે તેમના પતિ/પપ્પા ભરતભાઈ હંમેશા નીલેશભાઈ માંડલેવાલા દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી અંગદાનની પ્રવૃતિના ખુબ જ વખાણ કરી ગૌરવ અનુભવતા હતા. તેઓ બીજી વ્યક્તિઓને પણ અંગદાન કરાવવાની પ્રેરણા આપતા હતા.
તેઓ હંમેશા કેહતા હતા કે, જો કોઈ સંજોગોમાં તેઓ બ્રેઈનડેડ થાય તો તેમના અંગોનું દાન જરૂરથી કરાવજો. આજે મારા પતિ/પપ્પા બ્રેઈનડેડ છે ત્યારે તેમની ઈચ્છા અનુસાર તેમના અંગોનું દાન તમે જરૂરથી કરાવો. ભરતભાઈના બધા જ અંગોનું દાન કરવાની સંમતી પરિવારજનોએ આપી હતી પરંતુ ફક્ત લિવરનું દાન જ થઈ શક્યું હતું. તેમની બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાને કારણે કિડનીનું દાન તેમજ તેમની ઉંમરના કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું.
ભરતભાઈના પરિવારમાં તેમની પત્ની સુધાબેન (ઉં.વ ૭૦) કે જેઓ યુનિયન બેંકમાં ફરજ બજાવતા હતા. પુત્ર અપૂર્વ (ઉં.વ ૪૫) જેઓ સ્કેટ એન્જીનીયરીંગ કોલેજના ઈન્ફોમેશન ટેક્નોલોજી વિભાગમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. પુત્ર સિધ્ધાર્થ (ઉં.વ ૪૦) કે જેઓ કન્સેપ્ટ ઈન્વેસ્ટમેન્ટ વેલમાં સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની મહાવીર હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું. લિવરનું દાન સુરતની મહાવીર હોસ્પીટલના ડૉ. રવિ મોહન્કા, ડૉ. પ્રશાંથા રાવ, ડૉ. મિતુલ શાહ, ડૉ. નરેશ ગાબાણી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.
સુરતના 52 વર્ષીય વ્યક્તિને નવજીવન મળ્યું
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 52 વર્ષીય વ્યક્તિમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં ડૉ. રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાવીર હોસ્પીટલમાં લિવરનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. ગુજરાત સરકારની ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઈજેશન કમિટી દ્વારા મહાવીર હોસ્પિટલને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજુરી જાન્યુઆરી ૨૦૨૪માં આપવામાં આવી હતી.
સુરતમાં લિવર નું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલ પછી મહાવીર હોસ્પિટલમાં શરુ થવાને કારણે દક્ષિણ ગુજરાતના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેના દર્દીઓને તેનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌ પ્રથમ કેડેવારિક લિવર નું દાન સુરતની સ્મીમેર હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું હતું.