વર્ષો પહેલાં પ્રત્યેક સમાજના પ્રત્યેક ઘરમાં શુભ-અશુભ પ્રસંગે બ્રાહ્મણિયા રસોઈનું ચલણ હતું. સુરતીલાલાઓ હમેશાં બ્રાહ્મણિયાને બદલે બામણિયા રસોઈ બોલવા માટે ટેવાયેલાં છે. બામણિયા શબ્દ ચલણમાં આવી ગયો છે. ખેર, આજે બ્રાહ્મણિયા રસોઈના સ્વાદની વિશેષતાની બે વાત કરવી છે. કોઈ પણ પ્રસંગમાં બામણિયા રસોઈના સમય પર ઘરે મહારાજ આવતા. ઘરનાં વડીલ અને મહિલા વર્ગ સાથે મળીને મનભાવન ભોજનનું લીસ્ટ તૈયાર કરવામાં આવતું.
ફેમિલી મહારાજ બધું નક્કી થઈ જાય પછી ચા પાણી કરીને જયશ્રી કૃષ્ણ બોલીને વિદાય લેતા. એ રસોઈનો સ્વાદ સદા માટે યાદ રહી જતો. એની સુગંધ એવી કે મુખમાંથી પાણી નીકળી જતું. બીજી વાત તેઓ ધંધાદારી નહોતા. તદ્દન વ્યાજબી ભાવમાં રસોઈ બનાવી આપતા. સૌથી પહેલી થાળી તાપી માતા માટે અને બીજી થાળી ઘર પાસેના મંદિર માટે કાઢવામાં આવતી. હવે એ વાત રહી ગઇ છે.
એ હવાલો હવે છેલ્લાં કેટલાંક કેટરર્સના હાથમાં આવી ગયો છે. સુરતીલાલાઓ ખુલ્લેઆમ એમાં લૂંટાઈ રહ્યાં છે. પરંતુ એની કોઈને કાંઈ પડી નથી. વાનગી પણ કેવી, પંજાબી, ચાઈનીઝ, મેક્સિકન, થાઈફુડ સાથે ફાસ્ટ ફુડની બોલબાલા વધતી જાય છે. જે શરીર માટે પચવા માટે નુકસાનકારક સાબિત થાય છે. અતિશય બગાડ થાય છે. પહેલાં દાળ ભાત, શાક,પુરી, શીખંડ-પુરી અને લાપસીમાં જે મજા આવતી હતી તે હવે રહી નથી. રહી રહીને અસ્સલ બામણિયા રસોઈની યાદ આવે છે.
સુરત -જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.