સનત્સુજાતજી કહે છે કે બ્રહ્મવિદ્યા બ્રહ્મચર્યના પાલનથી પ્રાપ્ત થાય છે. આના અનુસંધાનમાં ધૃતરાષ્ટ્ર બ્રહ્મચર્યના સ્વરૂપ વિશે અને બ્રહ્મચર્યના પાલનની વિધિ વિશે પ્રશ્ન પૂછે છે. ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નના ઉત્તરરૂપે મહારાજ સનત્સુજાતજી બ્રહ્મચર્યનાં સ્વરૂપ અને પાલનવિધિ વિશે પોતાનું દર્શન હવે અભિવ્યક્ત કરે છે.
બ્રહ્મચર્યનાં ચાર સ્વરૂપો છે :
૧. બ્રહ્મચર્ય એટલે ઉપસ્થ-ઇન્દ્રિયનો સંયમ.
સામાન્યતઃ બ્રહ્મચર્યનો આ અર્થ વધુ પ્રચલિત છે. કોઈ માનવી ઉપસ્થ- ઇન્દ્રિયનો સંયમ પાળે તો આપણે તેને બ્રહ્મચારીરૂપે સ્વીકારી લઈએ છીએ.આ બ્રહ્મચર્યનાં પણ બે સ્વરૂપો છે. કોઈ ગૃહસ્થ એકપત્નીવ્રત પાળે તો તે બ્રહ્મચર્યપાલન ગણાય છે (chastity). જે પુરુષ સર્વભાવે ઉપસ્થ- ઈન્દ્રિયનો સંયમ પાળે તે નૈષ્ઠિક બ્રહ્મચર્ય (celibacy) ગણાય છે.
૨. બ્રહ્મચર્ય એટલે સર્વેન્દ્રિયનો સંયમ.
પાંચે જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ – આ સર્વેન્દ્રિયનો સંયમ પાળવો તે બ્રહ્મચર્યનું વધુ વ્યાપક સ્વરૂપ છે. આ બ્રહ્મચર્યનું વધુ ઉન્નત રૂપ છે.
૩. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મપ્રાપ્તિને અનુરૂપ ચર્યા.
અહીં બ્રહ્મચર્યનો અર્થ છે – સાત્ત્વિક અને સાધનપરાયણ જીવનશૈલી. આ બ્રહ્મચર્યમાં ઉપર્યુક્ત બંને બ્રહ્મચર્ય તો આવી જ જાય છે. આ બ્રહ્મપ્રાપ્તિ માટેની ચર્યા છે. ચર્યા એટલે આચરણ.
૪. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્યાશ્રમ.
પ્રાચીન ભારતીય પરંપરા પ્રમાણે આયુષ્યના ચાર ભાગ પાડવામાં આવે છે :
૧. બ્રહ્મચર્યાશ્રમ (આયુ : જન્મથી ૨૫ વર્ષ)
૨. ગૃહસ્થાશ્રમ (આયુ : ૨૬થી ૫૦ વર્ષ)
૩. વાનપ્રસ્થાશ્રમ (આયુ : ૫૧થી ૭૫ સુધી)
૪. સંન્યાસાશ્રમ (આયુ : ૭૬થી ૧૦૦ સુધી).
આમ, બ્રહ્મચર્યાશ્રમ માનવજીવનની પ્રથમાવસ્થા છે. આ અવસ્થામાં બ્રહ્મચર્ય- પાલનપૂર્વક ગુરુગૃહે નિવાસ કરીને વેદાદિ વિદ્યાઓનું અધ્યયન કરવામાં આવે છે. સનત્સુજાતજીએ મહારાજ ધૃતરાષ્ટ્રને કહ્યું કે બ્રહ્મચર્યના પાલનથી બ્રહ્મવિદ્યા સુગમતાથી પ્રાપ્ત કરી શકાય છે. હવે સનત્સુજાતજી બ્રહ્મચર્યપાલનની વિધિ બતાવે છે :
૧. આચાર્યના આશ્રમમાં પ્રવેશ પામીને બ્રહ્મચર્યપાલનપૂર્વક ગુરુદેવની સેવા કરતાં-કરતાં વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવું.
૨. માતાપિતા દ્વારા જન્મ પ્રાપ્ત થાય છે પરંતુ ગુરુમહારાજના ઉપદેશથી જે જન્મ પ્રાપ્ત થાય છે તે યથાર્થ જન્મ છે. આચાર્યને માતાપિતા જ સમજીને તેમનો કદી દ્રોહ ન કરવો.
૩. બ્રહ્મચર્યનાં ચાર સોપાન છે :
(૧) ગુરુને નિત્ય પ્રણામ કરો. પ્રમાદ છોડીને સ્વાધ્યાય કરો. અભિમાનનો ત્યાગ કરો.
(૨) મન, વાણી અને કર્મથી આચાર્યનું પ્રિય કરો.
(૩) ગુરુના ઉપકારો યાદ રાખીને કૃતજ્ઞતાભાવ ધારણ કરો.
(૪) દક્ષિણા, સેવા આદિ દ્વારા ગુરુઋણ ચૂકવો.
૪. આ રીતે બ્રહ્મચર્યના પાલન દ્વારા દેવોએ દેવત્વ પ્રાપ્ત કર્યું છે અને મનીષી ઋષિઓએ બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો છે.
બ્રહ્મચર્યપાલનની આ વિધિમાં સાંકેતિક સ્વરૂપે બ્રહ્મચર્યનાં સર્વ સ્વરૂપોનું કથન થયું છે. બ્રહ્મચર્યના કથન પછી હવે સનત્સુજાતજી બ્રહ્મચર્યપાલન દ્વારા જે પ્રાપ્ત ક૨વાની છે તે બ્રહ્મવિદ્યાનું કથન કરે છે. સકામ પુરુષ પુણ્યકર્મો દ્વારા નાશવાન લોકની પ્રાપ્તિ કરે છે અને બ્રહ્મવિદ પુરુષ બ્રહ્મવિદ્યાના સામર્થ્યથી સર્વસ્વરૂપ પરમાત્માને પામે છે. મોક્ષપ્રાપ્તિ માટે આ જ્ઞાન અર્થાત્ બ્રહ્મવિદ્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. અહીં ધૃતરાષ્ટ્ર બ્રહ્મના સ્વરૂપ વિશે પ્રશ્ન પૂછે છે અને ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નના ઉત્તરમાં હવે મહારાજ સનત્સુજાતજી બ્રહ્મના સ્વરૂપનું કથન કરે છે.
આ અસ્તિત્વમાં અનેક રંગના, અનેક રૂપના અને અનેક આકારના પદાર્થો છે પરંતુ બ્રહ્મનો ન કોઈ રંગ છે, ન કોઈ રૂપ છે કે ન કોઈ આકાર છે. બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ નથી પૃથ્વીમાં, નથી સમુદ્રમાં કે નથી આકાશમાં. બ્રહ્મના સ્વરૂપને તેમાંનું કોઈ ધારણ કરતું નથી. બ્રહ્મનું આ સ્વરૂપ નથી તારામાં, નથી વીજળીમાં, નથી વાયુમાં, નથી દેવોમાં, નથી સૂર્યમાં કે નથી ચંદ્રમાં ! બ્રહ્મનું સ્વરૂપ ‘ઋગ્વેદ’માં, ‘યજુર્વેદ’માં, ‘સામવેદ’માં કે ‘અથર્વવેદ’માં પણ દૃષ્ટિગોચર થતું નથી. બ્રહ્મના સ્વરૂપનો કોઈ પાર પામી શકે તેમ નથી. બ્રહ્મ અજ્ઞાનરૂપી અંધકારથી સર્વથા અતીત છે. મહાપ્રલય વખતે સર્વનો અંત કરનાર મહાકાલ પણ બ્રહ્મમાં વિલીન યઈ જાય છે.
બ્રહ્મ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. આ બ્રહ્મ સમગ્ર અસ્તિત્વનો આધાર છે. બ્રહ્મ જ અમૃત છે. સર્વ ભૂતો અને સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાંથી પ્રગટ થાય છે અને બ્રહ્મમાં જ વિલીન થાય છે. મહારાજ સનત્સુજાતજી રાજા ધૃતરાષ્ટ્રને સમજાવે છે, બ્રહ્મનું સ્વરૂપ દર્શાવે છે, જે અદૃશ્ય છે તેનું દર્શન કરાવે છે, જે અકથ્ય છે તેનું કથન કરે છે અને જે અલૌકિક છે તેનું લૌકિક ભાષાના માધ્યમથી કથન કરે છે. તેઓ જાણે અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં આગળ કથન થાય છે. વિદ્વાનો કહે છે : આ કાર્યરૂપ જગત માત્ર વાણીનો વિકાર છે, પરંતુ જેમાં આ સંપૂર્ણ જગત પ્રતિષ્ઠિત છે તે બ્રહ્મ રોગ, પાપ અને શોકથી સર્વથા અતીત છે.
તેનો મહાન યશ સર્વત્ર ફેલાયેલો છે. આ નિત્ય કારણસ્વરૂપ બ્રહ્મને જે જાણે છે તે અમર થઈ જાય છે મુક્ત થઈ જાય છે. અહીં એક પ્રજ્ઞાવાન પુરુષ, દૃષ્ટિમંત પુરુષ, અરે ! દિવ્યદૃષ્ટિ પુરુષ એવા પુરુષની સમક્ષ બ્રહ્મનું કથન કરી રહ્યા છે, જે બંને રીતે અંધ છે તેમને ચર્મચક્ષુ તો જન્મથી જ નથી. તેઓ જન્મજાત અંધ છે, એટલું જ નહીં તેઓ અર્થાત્ આપણા આ રાજા ધૃતરાષ્ટ્ર અંદરથી પણ અંધ છે. તેમનાં સતચક્ષુ પણ દૃષ્ટિહીન છે. તો સનત્સુજાતજી કોને ઉપદેશ આપે છે? શા માટે ઉપદેશ આપે છે? સનત્સુજાતજી વિદૂરજીના બોલાવ્યા આવ્યા છે અને ધૃતરાષ્ટ્રને નિમિત્ત બનાવીને અને આપણને સૌને ઉપદેશ આપે છે તેમ સમજવું જોઈએ.