વે સનત્સુજાતજી મહારાજ ધૃતરાષ્ટ્રને અધ્યાત્મનો અંતિમ ઉપદેશ આપે છે અને તે છે બ્રહ્મ અને બ્રહ્મપ્રાપ્તિ. શુદ્ધ બ્રહ્મ મહાન છે, જ્યોતિર્મય છે, દેદીપ્યમાન છે. સર્વ દેવો તેની જ ઉપાસના કરે છે. તેના જ પ્રકાશથી સૂર્ય પ્રકાશિત થાય છે. તે સનાતન ૫રમાત્માનો જ યોગીજન સાક્ષાત્કાર કરે છે. તે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાંથી હિરણ્યગર્ભની ઉત્પત્તિ થાય છે અને તેનાથી જ હિરણ્યગર્ભની વૃદ્ધિ થાય છે. આ જ્યોતિર્મય બ્રહ્મ સૂર્યાદિ સંપૂર્ણ જ્યોતિઓમાં અવસ્થિત રહીને સૌને પ્રકાશિત કરે છે અને તપાવે છે. તે સ્વયં સર્વ રીતે અતપ્ત અને સ્વયંપ્રકાશ રહે છે.
આ સનાતન ૫૨માત્માનો જ યોગીજન સાક્ષાત્કાર કરે છે. ઉક્ત સનાતન પરમાત્માના આશ્રિત બનીને દેવ, જીવ અને ઈશ્વર, પાંચ મહાભૂતો અવસ્થિત છે. તે પરબ્રહ્મ પરમાત્મામાંથી જ દિશાઓ, સમુદ્રો અને સરિતાઓ આદિ સમગ્ર અસ્તિત્વ પ્રગટ થાય છે. આ પરમાત્માની અન્ય કોઈ સાથે તુલના ન હોઈ શકે. તેને ચર્મચક્ષુથી જોઈ ન શકાય, પરંતુ નિશ્ચયાત્મિકા બુદ્ધિ દ્વારા અને હૃદય દ્વારા તેને જાણી શકાય છે. જે જાણી લે છે તે અમર બની જાય છે. પૂર્ણ ૫૨માત્મામાંથી આ પૂર્ણ સૃષ્ટિ પ્રગટ થાય છે. તે પૂર્ણ પાસેથી સત્તા- સ્ફુર્તિ પ્રાપ્ત કરીને પૂર્ણ સૃષ્ટિ ચેષ્ટાયુક્ત બની શકે છે અને તદનંતર પૂર્ણ સૃષ્ટિ પૂર્ણ પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને અંતે એક પૂર્ણ બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે.
આ સૃષ્ટિમાં નામ અને રૂપને ધારણ કરનાર બધું જ પરમાત્મામાં પ્રગટ થાય છે અને આખરે ૫રમાત્મામાં જ વિલીન થઈ જાય છે. અપાન પ્રાણમાં વિલીન થઈ જાય છે, પ્રાણ ચન્દ્રમામાં વિલીન થઈ જાય છે, ચન્દ્રમા સૂર્યમાં વિલીન થાય છે અને સૂર્ય ૫૨માત્મામાં વિલીન થઈ જાય છે. આ સંસાર-સલિલથી ઉપર અવસ્થિત હંસરૂપ પરમાત્મા પોતાના એક પગ(જગત)ને ઉપર ઉઠાવતા નથી. જો તેને પણ તે હંસ ઉપર ઉઠાવી લે તો સર્વનાં બંધન અને મોક્ષ સદાસર્વદા મટી જાય. હૃદયપ્રદેશમાં અવસ્થિત અંગુષ્ઠમાત્ર જીવાત્મા સૂક્ષ્મ શરીરના સંબંધથી જન્મ-મ૨ણને પ્રાપ્ત થાય છે. આ સૌના શાસક, સ્તુત્ય, સર્વસમર્થ, સર્વના આદિકા૨ણ અને સર્વત્ર બિરાજમાન પરમાત્માને તે મૂઢ જીવ જોઈ શકતો નથી. કોઈ જીવ સાધનસંપન્ન હો અથવા સાધનહીન પરંતુ પરમાત્મા સૌને સમાન રૂપે જુએ છે. પરમાત્મા પોતાના તરફથી બદ્ધ અને મુક્ત બંને માટે સમાન છે. ભિન્નતા આટલી છે કે મુક્ત જીવ આનંદસ્વરૂપ પરમાત્માને પામે છે, અન્ય નહીં.
જ્ઞાની પુરુષ કઈ વિદ્યા દ્વારા પરબ્રહ્મ પરમાત્માને પામે છે? બ્રહ્મવિદ્યા દ્વારા જ! બ્રહ્મજ્ઞાની પુરુષના ચિત્તમાં આ થયું કે આ ન થયું તેવો કોઈ ભાવ રહેતો નથી. બ્રહ્મજ્ઞાની પુરુષના ચિત્તમાં લઘુતાભાવ કે ગુરુતાભાવ પણ રહેતો નથી. આવા બ્રહ્મજ્ઞાની મહાત્મા પુરુષ ભોક્તાભાવમાં પોતાને વિલીન કરીને પૂર્ણ પરમેશ્વરને પામી લે છે. તેમના માટે આ લોકમાં કોઈ પ્રયોજન બાકી રહેતું નથી, અર્થાત્ તે કૃતકૃત્ય બની જાય છે. કોઈ મન સમાન વેગવાન ભલે હોય અને 10 પાંખો લગાવીને ભલે ઊડે પરંતુ અંતે તો તેમને હૃદયસ્થિત પરમાત્મામાં જ આવવું પડશે.
પરમાત્માનું સ્વરૂપ સર્વ સમક્ષ પ્રગટ બનતું નથી. જે પુરુષ વિશુદ્ધ અંત:કરણવાન હોય તે જ તેમનાં દર્શન પામી શકે છે. જે સર્વના હિતૈષી અને મનને વશ કરનાર હોય તથા સંસારના સર્વ સંબંધોનો સર્વથા ત્યાગ કરનાર હોય તે જ મુક્ત બની શકે છે. પરમાત્મા સાધુકર્મ કે અસાધુકર્મ સાથે સંબંધિત નથી. આ વિષમતા તો દેહાભિમાની મનુષ્યોમાં જોવા મળે છે. બ્રહ્મનું સ્વરૂપ સર્વત્ર સમાન સ્વરૂપે હોય છે તેમ સમજવું જોઈએ. જે જ્ઞાની પુરુષ પરમાત્માને આ સ્વરૂપે નિરંતર અનુભવે છે તે આવી દૃષ્ટિ પ્રાપ્ત કર્યા પછી અન્ય વિષયાસક્ત મનુષ્યો માટે શો શોક કરે ? જેવી રીતે પાણીથી પરિપૂર્ણ ભરેલું સરોવર પામ્યા પછી પાણી માટે અન્યત્ર જવાની આવશ્યકતા નથી રહેતી તે જ રીતે આત્મજ્ઞાની પુરુષ માટે સર્વ વેદોમાંથી પણ કાંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
અંતમાં સનત્સુજાતજી ધૃતરાષ્ટ્રને આખરી ઉપદેશ આપે છે : આ પરબ્રહ્મ પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને સર્વથા વિશુદ્ધ છે. તે જ સર્વ ભૂતોમાં અંતર્યામી સ્વરૂપે પ્રકાશિત છે. સર્વ પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત પરમાત્માને જ્ઞાની પુરુષો જ જાણે છે. આ રીતે સનત્સુજાતજી મહારાજ ધૃતરાષ્ટ્ર સમક્ષ પોતાના અધ્યાત્મ-ઉપદેશનું કથન સમાપ્ત કરે છે. આ રીતે પ્રથમ ભક્તરાજ વિદુરજી સાથે અને તદનંતર મહર્ષિ સનત્સુજાતજી સાથે સત્સંગ કરવામાં મહારાજ ધૃતરાષ્ટ્રની આખી રાત વીતી ગઈ. આ રીતે ભક્તરાજ વિદુરજી અને મહર્ષિ સનત્સુજાતજી પાસેથી ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ મહારાજ ધૃતરાષ્ટ્રના મનોભાવ અને વ્યવહારમાં કાંઈ પરિવર્તન આવ્યું ?
પછી બનતી ઘટનાઓ ૫૨થી તો સ્પષ્ટ લાગે છે કે આવું કોઈ પરિવર્તન આવ્યું હોય તેમ લાગતું નથી. આમ કેમ બને છે ? બુદ્ધિપૂર્વક બધું જ સમજાય છે અને છતાં જીવનમાં, ચેતનામાં અને વ્યવહારમાં કોઈ પરિવર્તન આવતું નથી. આમ શા માટે બને છે? આ જ ધૃતરાષ્ટ્રનું ધૃતરાષ્ટ્રપણું છે. આ જ ધૃતરાષ્ટ્રના જીવનની વિટંબણા છે. સમજાય છે અને છતાં તે સમજ જીવનમાં ઊતરતી નથી. આસક્તિનું જોર એટલું પ્રબળ છે કે તે વિવેકને અતિક્રમી જાય છે. ધૃતરાષ્ટ્રમાં વિવેક છે પરંતુ નપુંસક વિવેક છે. ધૃતરાષ્ટ્રમાં સમજ છે પરંતુ સંધ્યા સમજ છે !
ધૃતરાષ્ટ્ર ચક્ષુહીન તો છે જ, સાથે દૃષ્ટિહીન પણ છે!
અહીં ‘સનત્સુજાતીય’ સમાપ્ત થાય છે.