પ્રશાંત કિશોર તેમના સમર્થકો અને ઉમેદવારો સાથે ગાંધી મેદાનમાં બાપુ સ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જન સૂરાજના સ્થાપક પ્રશાંત કિશોરે ગુરુવારે જ જાહેરાત કરી હતી કે જો સરકાર BPSC પરીક્ષા રદ નહીં કરે તો તેઓ આમરણાંત ઉપવાસ શરૂ કરશે. આ અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે મારી માંગણીઓમાં પરીક્ષા રદ કરવી અને પરીક્ષા નવેસરથી આયોજિત કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હું ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરું છું જેમણે પરીક્ષાઓ દ્વારા ભરાનાર જગ્યાઓ વેચાણ માટે મૂકી હતી.
પ્રશાંત કિશોર BPSC ઉમેદવારોને સમર્થન આપવા માટે તેમની સાથે આવ્યા હતા. ઉમેદવારોની સાથે તેઓએ આંદોલન પણ કર્યું હતું, જેના કારણે પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. પટના પોલીસે તેની સામે એફઆઈઆર પણ નોંધી છે. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ સરકારે મંત્રણા માટે હાકલ કરી હતી. ત્યારબાદ વિરોધીઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય સચિવ અમૃત લાલ મીણાને મળ્યું. તેમને મળ્યા પછી, પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે જો નીતિશ કુમારની સરકાર BPSC પેપર લીક પર પગલાં લે તે માટે માત્ર “48 કલાક” રાહ જોશે અને પછી તેઓ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.
પ્રશાંત કિશોરે કહ્યું કે જ્યાં સુધી સરકાર BPSCની પરીક્ષાઓ રદ નહીં કરે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે બિહારમાં સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અવ્યવસ્થિત છે. તેમણે કહ્યું કે અમારી માંગણીઓમાં ડોમિસાઇલ પોલિસીનો અમલ પણ સામેલ છે.