Gujarat

સુરત બાદ ગાંધીનગરમાં પ્રેમી દરિંદો બન્યો, બ્રિજ નીચે બોલાવી પ્રેમિકાનું કટરથી ગળું કાપ્યું

ગાંધીનગર : સુરત (Surat) શહેરમાં ગ્રીષ્માની હત્યાની (Grishma Murder) ઘટના ચકચાર મચી જવા પામી છે. હજી ગ્રીષ્માની હત્યાની શાહી ભૂંસાઈ નથી કે પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં અમરાપુરમાં (Amrapura) એક પ્રેમીએ (Lover) તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો (Attack) કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા સગીરના કાકા ઘટનાસ્થળે પહોંચી 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેજવામાં આવી છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે.

કાકા બોલાવે છે કહી સગીરાને નદી પાસે લઈ ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે તેના ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે. તેથી સગીરા તેની બાઈક પર બેસી ગઈ હતી. સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. ત્યાં સગીરા સાથે થોડીક વાતચીત કર્યા બાદ તેની સાથેે બળજબરી કરવા લાગ્યો હતો.

સગીરાએ લોહીલુહાણ હાલતમાં કાકાને ફોન કરી મદદ માંગી
સગીરા સાથે વાતચીત દરમિયાન ઝગડો થતા સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. પરંતુ જ્યારે સગીરાએ તેનો પ્રતિકાર કર્યો ત્યારે સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી સતત લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. સગીરાના કાકા પણ કોતરમાં દોડી ગયા હતા. સગીરાના કાકાએ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને પણ બોલાવી લીધા હતા. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.

2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત
પ્રેમીએ પેપર કટરથી હુમલો કર્યો હતો. કટર વડે હુમલો ગળાના ભાગ પર કરવામાં આવ્યો હતો. સારવાર કરી રહેલા તબીબોનું કહેવું છે કે જો ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગ વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં તેને ખોલતાંની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરાઈ હતી.

પોલીસે આરોપીની અટકાયત કરી
ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટના અંગે સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, અમે બે ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છે. આજે સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને જૂઠું બોલી મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. પોલીસ ગંભીર ગુનો નોંધી હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

પાસોદરામાં એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપી હત્યા કરી
તમને જણાવી દઈએ કે હજુ ગયા શનિવારે જ કામરેજના પાસોદરા ગામમાં ગ્રીષ્મા વેકરીયા નામની 21 વર્ષીય યુવતીની તેને એકતરફી પ્રેમ કરતા યુવક ફેનિલે જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી. આ મર્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ફેનિલ પોતે પણ ઘેનની દવા પી લઈ હાથ પર ચાકુ માર્યું હતું. સારવાર બાદ કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં ફેનિલની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે, જેમાં તે અને ગ્રીષ્મા પ્રેમસંબંધમાં હોવાનો ફેનિલ દાવો કરે છે. બીજી તરફ ગ્રીષ્માના પરિવારે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે કોઈ પણ સંબંધ હોવાનો ઈનકાર કરી ફેનિલને જાહેરમાં ફાંસીની માંગણી કરી છે.

Most Popular

To Top