#BoycotHyundai ટ્ટ્વીટર પર ટ્રેન્ડ થયા બાદ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ વિવાદ અંગે સ્પષ્ટતા જારી કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ભારતીય રાષ્ટ્રવાદનું સન્માન કરે છે. કંપનીએ દક્ષિણ કોરિયા પછી ભારતને બીજું ઘર પણ ગણાવ્યું છે. વાસ્તવમાં 5 ફેબ્રુઆરીએ Hyundai Pakistan નામના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં કાશ્મીર પર પાકિસ્તાનના વલણની તરફેણમાં લખ્યું છે. જે બાદ તે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ હ્યુન્ડાઈ પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે ચાલો કાશ્મીરી ભાઈઓના બલિદાનને યાદ કરીએ અને તેમનું સમર્થન કરીએ જેથી તેઓ આઝાદી માટે લડતા રહે. આ પોસ્ટમાં #HyundaiPakistan અને #KashmirSolidarityDay હેશટેગ્સ પણ દાખલ કરવામાં આવ્યા હતા.
હ્યુન્ડાઈએ જારી કરેલા નિવેદન માટે માફી માંગી નથી
તેના નિવેદનમાં, કંપનીએ ભારત વિરોધી ટ્વિટ પર સ્પષ્ટતા કરી, પરંતુ હ્યુન્ડાઇ પાકિસ્તાન નામના ટ્વિટર એકાઉન્ટનો ઉલ્લેખ પણ કર્યો નથી, જેના કારણે વિવાદ થયો હતો અને ન તો તેના માટે માફી માંગી હતી.
સોશિયલ મીડિયા પર ટીકા
હ્યુન્ડાઈના આ નિવેદન પછી પણ ભારતમાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. #BoycotHyundai અને #BoycotKia હજુ પણ ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને હ્યુન્ડાઈને આ માટે માફી માંગવા કહ્યું છે. કપિલ મિશ્રાએ કહ્યું કે જો કંપની આ માટે માફી નહીં માંગે તો કંપનીને મોટી નાણાકીય કિંમત ચૂકવવી પડશે. તેમજ તેની બ્રાન્ડ વેલ્યુને પણ ફટકો પડશે. આ સિવાય ભારતીય સેનાના રિટાયર્ડ જનરલ ઓફિસર કેજેએસ ધિલ્લોને પણ આ માટે હ્યુન્ડાઈની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે અમે બહાદુર સૈનિકો અને નિર્દોષ નિઃશસ્ત્ર નાગરિકોનું બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન આપણા ભારતીયો માટે વધુ મૂલ્યવાન છે.
કંપની નિવેદન
આ વિવાદ અંગે કંપનીએ કહ્યું કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 25 વર્ષથી વધુ સમયથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે અને અમે રાષ્ટ્રવાદનું સન્માન કરવા માટે મક્કમપણે ઊભા છીએ. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની એક અનિચ્છિત સોશિયલ મીડિયા પોસ્ટમાં બતાવવામાં આવેલી લિંકે અમારી લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
ભારતનું બીજું ઘર
ભારત હ્યુન્ડાઈ બ્રાન્ડનું બીજું ઘર છે અને અસંવેદનશીલ સંદેશાવ્યવહાર પ્રત્યે અમારી પાસે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે અને અમે આવા કોઈપણ મંતવ્યોની સખત નિંદા કરીએ છીએ. ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે, અમે દેશ તેમજ તેના નાગરિકોની ભલાઈ માટે અમારા પ્રયાસો ચાલુ રાખીશું.
શું છે વિવાદ?
ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપનીની પાકિસ્તાની ડીલરશિપ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને ભારત સંઘમાંથી વિખેરી નાખવાની હાકલ કર્યા પછી વિવાદ ઉભો થયો છે. હ્યુન્ડાઈની પાકિસ્તાની ડીલરશિપ નિશાંત જૂથ સાથે ભાગીદારી ધરાવે છે. આ અંગે ભારતીય યુઝર્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને સવાલ પૂછ્યો હતો કે શું તમે હ્યુન્ડાઈ પાકિસ્તાનના કાશ્મીર અંગેના વલણનું સમર્થન કરો છો? તેના જવાબમાં હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અનેક યુઝર્સને બ્લોક કરી દીધા હતા. બાદમાં અનેક યુઝર્સે ટ્વિટર પર ‘બોયકોટ-હ્યુન્ડાઈ’ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ અંગે ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ હ્યુન્ડાઈ ગ્લોબલ સમક્ષ માફીની માગ કરી હતી. ભારતીય નેટિઝન્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને ભારતના સમર્થનમાં ટ્વીટ કરવા કહ્યું અને પ્રશ્ન કર્યો કે શું તેઓ હ્યુન્ડાઈ પાકિસ્તાનના ટ્વીટને સમર્થન આપે છે, ત્યારે હ્યુન્ડાઈ ઈન્ડિયાએ તે ભારતીયોને ટ્વિટર પર બ્લોક કરવાનું શરૂ કરી દીધું હતું. આથી વિવાદ વધ્યો હતો.
બજરંગ દળે દેશભરના હ્યુન્ડાઈ શો રૂમ બંધ કરાવી દેવા ચીમકી ઉચ્ચારી
આ મુદ્દે બજરંગદળે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા બે દિવસની મુદત આપી છે. તેમણે સમગ્ર દેશમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ફોન કરીને કહ્યું હતું કે ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદત આપી છે. જો એ પ્રમાણે નહીં થાય તો દેશભરમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી અપાઈ છે.