બોલીવુડના સુપર સ્ટાર એવા હીરો હીરોઇનો આજકાલ દ્વિઅર્થી જાહેરાતોમાં જોતરાઇને પોતાના અંગત સ્વાર્થ માટે દેશની પ્રજાને લલચાવીને ગુમરાહ કરી રહ્યા છે. ફકત ખાનબંધુઓ જ નહીં અક્ષયકુમાર, અમિતાભ, રીતીક રોશન, સંજય દત્ત વગેરે બોલીવુડ સ્ટારો અને કેટલાક ક્રિકેટરો પણ જે પ્રોડકટોની જાહેરાત કરે છે તેમાં સચ્ચાઇ કેટલી છે? આ બધા સ્ટારો અંગત કમાણી માટે મોટી મોટી કંપનીઓ સાથે જોડાઇને ખોટી ખોટી, લલચાવનારી, લોક માનસને ભરમાવનારી જાહેરાતો કરે છે. આ સ્ટારોની જાહેરાતો ચૂંટણી ટાણે ‘રેવડી’ની લ્હાણી કરતા રાજકારણીઓ જેવી જ હોય છે.
આ બંધ થવું જોઇએ. જો કે હવે પ્રજા જાગૃત થઇ છે. બોલીવુડના સુપર સ્ટારોની ફિલ્મોનો બહિષ્કાર લોકો કરી રહ્યા છે જે યોગ્ય જ છે. કેટલાક સ્ટારો પાન-માવા મસાલા, ગુટખા, દારૂ, ડ્રગ્સ, સ્ત્રી-પુરુષોના અંડર ગારમેન્ટસ વગેરેની લાઇવ જાહેરાતો કરે છે. હવે કેટલાક હીરો હીરોઇનોને ન્યુડીટી તરફ વળ્યા છે. આવા લોકોને દેશના સંસ્કાર કે અસ્મિતાની સાથે કોઇ લેવા દેવા નથી. આવા લોકોને કારણે ફેમીલી સાથે બેસીને ટી.વી. જોવું દોહયલુ બની ગયું છે. ઢગલેબંધ પૈસાવાળા આ લોકો કદી સુધરવાના નથી એટલે એમની પ્રોડકટો અને એમનો દેશવ્યાપી બહિષ્કાર જ એકમાત્ર ઉપાય છે.
વલસાડ – આર.કે. પટેલ –આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.