એક ભાઈએ એક નવો કૂતરો પાળ્યો.તેમને આ કૂતરો બહુ ગમે.ભાઈને કૂતરા વિના ન ચાલે અને કૂતરાને ભાઈ વિના ન ચાલે.આખો દિવસ કૂતરો ભાઈની આજુબાજુ ફર્યા કરે અને તેમના હાથે જ ખાય અને રાત્રે તેમના રૂમમાં જ સૂઈ જાય.ભાઈને પણ કૂતરા પર બહુ મમતા બંધાઈ ગઈ હતી.
ભાઈની કૂતરા પર માયા એટલી વધતી જતી હતી કે તેમના મનમાં ડર ઘૂસી ગયો હતો કે કયાંક આ કૂતરો તેમને છોડીને ભાગી ન જાય અને એટલે તેઓ કૂતરાના ગળે પટ્ટો બાંધી સાંકળ બાંધીને ફેરવવા લાગ્યા અને રાત્રે સૂતી વખતે તેઓ કૂતરાને સાંકળથી બાંધી રાખતા અને કૂતરો ભાગવા જાય તો પોતાને ઊંઘમાં ખબર પડે તે માટે તેઓ સાંકળનો બીજો છેડો પોતાના પગમાં બાંધી દેતા.
એક દિવસ ભાઈના કાકા ઘરે આવ્યા હતા. તે રાત્રે કૂતરો કંઇક અવાજ થતાં ઊંઘમાંથી જાગી ઊઠ્યો અને ખેંચાયો અને સાથે જ ભાઈના પગમાં બાંધેલી સાંકળ પણ અચાનક ખેંચાઈ અને તેઓ કંઈ સમજે; જાળવીને ઊભા થાય તે પહેલાં તો ઝટકો વાગ્યો અને તેઓ ત્યાં જ સંતુલન ગુમાવીને ગબડી પડ્યા.આથી કૂતરો વધારે ડરી ગયો અને ભસવા લાગ્યો અને આમતેમ દોડવા લાગ્યો.એટલે ભાઈ કોશિષ કરવા છતાં ઊભા થઈ શક્યા નહી કારણ પગમાં કૂતરા સાથે જોડાયેલી સાંકળ હતી.આ શોર સાંભળી કાકા દોડી આવ્યા અને બોલ્યા, ‘આ શું કર્યું છે?’ ભાઈએ કહ્યું, ‘કૂતરાને બાંધ્યો છે.’કાકા બોલ્યા, ‘પાગલ, આ તારા પગમાં સાંકળ કેમ છે?’ ભાઈએ કહ્યું, ‘કૂતરાને એ જ સાંકળથી બાંધ્યો છે.’ કાકા હસવા લાગ્યા અને બોલ્યા, ‘તેં કૂતરાને નથી બાંધ્યો, આ તો તું કૂતરા સાથે બંધાયો છે.કૂતરાને બાંધનારો તું નથી, તને બાંધનાર કૂતરો છે.’
આ ભાઈની જેમ આપણે બધા પણ કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ ચીજ વસ્તુઓ સાથે બંધાયેલા છીએ. ક્યાંક મોહ આપણને બાંધે છે કયાંક આપણે પ્રેમથી બંધન સ્વીકારીએ છીએ.પણ આ મોહ માયાનાં બંધન આપણને અટકાવે છે, કયાંક પાડે છે, ગુલામ બનાવી દે છે.
આપણે બળદ કે ઘોડાને પાછળથી હાંકીને માનીએ છીએ કે આપણે તેને હાંકીએ છીએ પરંતુ હકીકતમાં આપણે તેના પર આધારિત હોઈએ છીએ અને તેઓ આગળથી આપણને હાંકે છે.મોહ માયાના આ બંધનથી બચવું જરૂરી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.