વડોદરા : સરકારી વિભાગોમાં કેટલાક કિસ્સામાં અરજદારો ફાઈલો અટવાતા અથવા અધિકારીઓ બઢતી-બદલી માટે ગોડફાધરના શરણે જતા હોય છે. ગોડફાધરના પણ દ્વાર બંધ થતા આખરે તેઓ ઈશ્વર અને ભુવા જાગરીયાનો સહારો લેતા હોય છે. શુક્રવારે કલેકટર કચેરી પાસે કાળા દોરામાં વીંટળાયેલી પાંચ જેટલી કાગળની ચીઠી મળી આવતા મેલીવિદ્યાનું અનુમાન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે અસંખ્ય અરજદારો અને અધિકારીઓની અવરજવર રહેતી હોય છે. આ કચેરીઓમાં અધિકારીઓ બદલી-બઢતી માટે તો અરજદારો પોતાની ફાઈલો વહેલી તકે પાસ કરાવવા તળિયા ઘસતા નજરે ચડે છે. ઘણા કામો સરળતાથી થઇ જતા હોય છે તો ઘણા કામોમાં વિઘ્ન નડતા ગોડફાધરના શરણે જવાનો વખત આવે છે. પરંતુ ગોડફાધરના દ્વાર પણ બંધ થઈ જાય તો આખરે કેટલાક લોકો ઈશ્વરના શરણે જતા હોય છે અને માનતા રાખતા હોય છે. તો વળી કેટલાક લોકો ભુવા જાગરીયા કરી પોતાનું કામ પાર પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
આ અંગે સૌ કોઈ વાકેફ છે. તેવામાં આજે કલેકટર કચેરી પાસે સૌ કોઈનું ધ્યાન ખેંચે છે તેવી ઘટના સામે આવી છે. એક નહીં બે નહીં પરંતુ પાંચ નાની કાગળની ચિઠ્ઠીઓ કાળા દોરામાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. કલેકટર કચેરીની પાસે જ કોઈએ પોતાનું કામ કઢાવવા મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે હજુ સુધી આ પ્રકારની હરકત કોણે શા માટે કરી છે તે સત્તાવાર જાણવા મળ્યું નથી. તો બીજીતરફ કલેક્ટર કચેરી ખાતે કામ અર્થે આવતા લોકોમાં પણ વિવિધ ચર્ચાઓએ જોર પકડયું હતું.
કામ નહીં થતું હોય ધક્કા ખાઈને થાકી ગયો હશે અને ભુવા પાસે જઈ તેના કહેવા અનુસાર નાખી દીધા હશે
કલેકટર ઓફિસ ખાતેથી લગભગ ત્રણથી ચાર માદળીયા મળ્યા, કોઈ દુ:ખીયારો આત્મા હશે કે જેનું કામ નહીં થતું હોય, કલેકટર ઓફિસના ધક્કા ખાઇને થાકી ગયો હશે. ત્યારે કોઈક ભૂવા પાસે ગયા હશે અને ભૂવાએ કંઈક માદળીયા બનાવી આપ્યા હશે અને ત્યાં નાખવા કીધું હશે એટલે નાખી દીધા હતા. અચરજ પમાડે તેવી વાતો છે પણ મૂળભૂત ઉદ્દેશ દુઃખી આત્માનો છે. દુઃખી આત્મા ક્યાંકને ક્યાંક અટવાઈ ગઈ હશે, એ કયા હદે દુઃખી હશે કે આવી રીતે સહારો લેવા જવું પડ્યું. ખરેખર આ દુઃખદ વાત છે. આ બાબતે જાગૃતતા રાખી કલેકટર ઓફિસે પગલા લેવા જોઈએ.