Business

બાટલીવાળા કાયમ લહેરમાં

ચોમાસાના વરસાદ-પાણી શરૂ થાય ને મને છાંટોપાણી યાદ આવે! એટલે કે લખવા માટે (વિષય રૂપે.) દર વખતે એમ થાય કે આ વિષય પર કલમ અજમાવીએ. વાચકમિત્રો, જરા વિચારો કે સાવ છાંટોપાણી કર્યા વગર લખાયેલા આ લેખમાં પણ જો તમને મજા પડે  તો છાંટોપાણી કર્યા પછી લખાયેલા લેખમાં કેવી જમાવટ થાય! પણ આપણને એ ન પોષાય એટલે હમણાં તો ચા-પાણીથી ચલાવીએ છીએ. આગે આગે ગોરખ જાગે. ઘરનું ઘાસલેટ બાળીને ભવાયા ન રમાડાય.

બીજી લહેરમાં ઘણા દર્દીઓને બાટલા (ઓક્સિજન) વિના તરફડતા જોયા  પણ બીજી હોય કે ત્રીજી લહેર બાટલીવાળા કાયમ લહેરમાં જ હોય છે. કોરોનામાં આ બાબત નોંધપાત્ર રહી કે બાટલી ભરપૂર પીનારાને બાટલાની જરૂર પડી નથી. જે ચોવીસ કલાક ચિક્કાર થઈને પડ્યા હોય છે. એમની પાસે કોરોના ફરકયો પણ નથી. બાટલો (ઓક્સિજન) વાયુ છે જ્યારે બાટલી પ્રવાહી છે  અને બાટલી પીધા પછી પરિસ્થિતિ પણ એકદમ પ્રવાહી હોય છે. બીજી લહેરમાં કેટલાક દર્દીઓને બાટલા વિના રસ્તામાં તરફડતા જોયા પણ દેશીની કોથળી પીને  ગટરકિનારે પડેલાને ક્યારેય તરફડતો જોયો? એ તો જિંદગીની તમામ સમસ્યાઓને ગોળીએ  દઈને સૂતો હોય છે.આપણે રસ્તામાં સહેજ ઊભા રહીએ તો વાહન વાળા હોર્ન ઉપર હોર્ન વગાડે પણ આ ગટરગ્રાહીને કોઈ વાહનવાળો ટચ પણ કરતો નથી. બાટલો દર્દીઓને પ્રાણવાયુ પૂરો પાડે છે જ્યારે બાટલી બેવડ વળી ગયેલા માનવીના શરીરમાં  પ્રાણ પૂરે છે પછી એ બેવડ વળી ગયેલાને લોકો “બેવડો” કહે છે.

લોકોએ જે કહેવું હોય તે કહે પણ આમાં જાતકને બેવડો આનંદ મળે છે. આવા તરસ્યા મૃગને ખરે ટાણે બાટલી મળી જાય તો તેના અણુ અણુમાં શક્તિનો સંચાર થાય અને એ બધી જ શક્તિ જીભ વાટે બહાર નીકળે છે. આમાં બધી જ શક્તિ જીભ વાટે બહાર નીકળતી હોવાથી શરીર માટે શક્તિ બચતી નથી એટલે પવન આવે ને જેમ ચંપાની ડાળી ડોલે એમ તેનું શરીર ડોલે છે. આમ થવાથી ગમે ત્યારે ગુરુત્વ મધ્યબિંદુનો સિદ્ધાંત ખોરવાઇ શકે છે અને  બાદશાહ ગુરુત્વાકર્ષણનો ભોગ બને છે. બાટલો પ્રાણવાયુ પૂરો પાડે છે અને બાટલી ક્યારેક પ્રાણ હરી પણ લે! પ્રાણ  ‘હરી લે’ તો ‘હરિ ઇચ્છા બળવાન’ એવું એમના પરિવારજનોના મુખેથી સાંભળવા મળે. તે સમયે કેટલાકની પત્નીઓને એવું પણ થાય કે ‘હરિ ઈચ્છા’ આટલી બધી બળવાન હતી તો હરિએ આટલું બધું મોડું કેમ કર્યું?!

બાટલાની જ્યારે તીવ્ર અછત ઊભી થઈ ત્યારે લોકો એકબીજાના છેડા લગાડીને બાટલો મેળવવા પ્રયત્ન કરતા. એટલું જ નહીં લોકો ડાયરેક્ટ બાટલા ઉત્પાદન કરતી ફેકટરીઓ પર પહોંચીને ત્યાંથી બાટલા મેળવતા. એકાદ મહિનો બાટલાની આવી સ્થિતિ રહી પણ બાટલીમાં તો આવી સ્થિતિ ઘણી વાર સર્જાય છે. કોઈ કડક અધિકારી આવી જાય તો બાટલી સરળતાથી મળતી નથી. ત્યારે બાટલીપ્રેમીઓ પણ લાગતાવળગતાઓની લાગવગ લગાવીને બાટલીનો મેળ પાડી લે છે. તો કેટલાક વળી છેક ફેક્ટરી પર જઈને ત્યાંથી ડાયરેક્ટ “પહેલી ધારનો માલ” મેળવી લે છે. આમ બાટલી વિતરણમાં આવેલી બાધાને તેઓ ગાંઠતા નથી કારણ કે છૂટકો જ નથી.

ખાધા વિના ચાલે પણ પીધા વિના કેમ ચાલે?!  સુરતમાં રેલ આવી ત્યારે જે વિસ્તારમાં બહુ પાણી ભરાયાં હતાં એવા વિસ્તારમાં રહેતા મારા એક ચોવીસ કેરેટના સુરતી મિત્રને પૂછ્યું, “રેલના દિવસોમાં તમે ખાવા-પીવાનું શું કર્યું?” ત્યારે મિત્રે અસલ સુરતી બાનીમાં જવાબ આપ્યો કે  “ખાવાનું ટો ઠેઈ  ગિયું પન…..( વાક્ય પૂરું થયા પછી આવતાં વિશેષણો વાચકે કલ્પી લેવાના ). છાંટોપાણીવાળા ઘણી વાર તો એટલા બધા  ચિક્કાર થઈને જમીનદોસ્ત થઇ જાય છે કે પછી તેના પર ગમે તેટલું પાણી છાંટો તો ય તે સળવળતા નથી. એ તો એનો કુદરતી સમય પૂરો થાય એટલે  આપોઆપ આળસ મરડીને બેઠો થાય છે. પણ અકસ્માતમાં બેભાન થયેલો ફિલ્મી હીરો ભાનમાં આવે ત્યારે પૂછે કે “મૈં કહા હું” એવું તે પૂછતો નથી. તેને ખબર જ હોય. વળી છાંટોપાણીવાળાની એક ખૂબી તો નોંધવી જ પડે કે તેઓ ક્યારેય એક જ ગટરમાં બીજી વાર પડતા નથી. બાટલામાં જેમ મેડિકલ માટેનો અને ઇન્ડસ્ટ્રી માટેનો ઓક્સિજન અલગ અલગ હોય છે એમ અહીં બાટલીમાં પણ સ્પેશ્યલ ને દેશી અલગ-અલગ હોય છે. દેશીમાં ક્યારેક લઠ્ઠો આવી જાય તો પીવાવાળો બઠ્ઠો વળી જાય છે.

પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ વગેરેના ભાવવધારાની લોકો બૂમો પાડે છે (એ જરાય ખોટું નથી) ગેસના કે ઓક્સિજનના બાટલામાં ભાવ વધારો થાય તો પણ લોકો બૂમો પાડે છે પણ આ બાટલીવાળા જુઓ બાટલીના ભાવમાં ગમે તેટલો વધારો થાય તોય બૂમો પાડે છે ખરા!?  ક્યારેય સરઘસ કાઢે છે!?   ઉપવાસ પર ઊતરે છે!? તેઓ ક્યારેય આવી મિથ્યા પ્રવૃત્તિમાં સમય વેડફતા નથી. તેઓ બાટલી કેવી રીતે પ્રાપ્ત થાય તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી છેવટે તે બાટલી-પોટલીને પામીને જ રહે છે.

આમ તો બાટલીપ્રેમીને પૈસાની કાયમ અછત જ હોય છે. ન હોય તો ટૂંક સમયમાં થઈ જાય છે. પણ llM માં કે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA (ફાયનાન્સ) કરેલાએ પણ ફાયનાન્સ મેનેજમેન્ટ તો આમની પાસેથી જ શીખવું પડે. MBA (ફાયનાન્સ)ને તો નાણાં  હોય તેનું મેનેજમેન્ટ કેમ કરવું એ આવડે છે પણ બાટલીવાળાને તો ખિસ્સામાં હાથ નાખે તો વીંછી કરડે એવી હાલત હોય ,ખીસ્સામાં એક ફદિયુંય ન હોય ત્યારે ફાયનાન્સ મેનેજમેન્ટ કેમ કરવું તે આવડે છે. આવી સ્થિતિમાં પણ જેમ સમર્પિત ભક્ત ભગવાનનું આરતી ટાણું કદાપિ ચૂકતો નથી તેમ તે  પીવા ટાણું કદાપિ ચૂકતો નથી. ગમે ત્યાંથી, ગમે તેમ કરીને તે ફાયનાન્સ મેનેજ કરી લેતો હોય છે. આથી ભારતમાં MBA (ફાયનાન્સ) ના અભ્યાસક્રમમાં આ મૌલિક પદ્ધતિ ઉમેરવી જોઈએ.          

અમારા એક સંબંધીને ઓક્સિજનના બાટલાની જરૂર હતી. બીજી લહેર પીક પર હતી ત્યારે આકાશપાતાળ એક કર્યા પણ ક્યાંય બાટલો મળે નહીં. એક મિત્રે મને કહ્યું,  “તમે ભીખું બાટલીનો કોન્ટેક્ટ કરો!” મેં કહ્યું,  “અમારે બાટલી નહીં બાટલો જોઈએ છે!” છતાં મિત્રે આગ્રહ કર્યો એટલે ભીખુ બાટલીનો સંપર્ક કર્યો અને મિત્રનું નામ આપ્યું. પછી ભીખુએ કીધું એ પ્રમાણે રૂપિયાની હા કહી. ત્યાર પછીના એક કલાકમાં ઓક્સિજનનો બાટલો આવી ગયો. મેં કહ્યું,   “ભીખુકાકા, આવી ભયંકર અછતમાં પણ તમે  કેવી રીતે મેળ પાડ્યો!?” ત્યારે તેણે કહ્યું, “સુરતમાં જ્યારે બાટલી-પોટલી પર બહુ ભયંકર દબાણ હતું. દિવસો સુધી એક છાંટો પણ  ન મળે એવી હાલત હતી. અને આ બાટલાવાળા શેઠને બાટલી વિના એક ઘડી ન પણ ન ચાલે. ત્યારે બાટલી વગર શેઠની હાલત એવી નાજુક થઈ ગઈ કે બઠ્ઠા વળી ગયેલા શેઠને ઓક્સિજનનો બાટલો ચડાવો તોય બેઠા ન થાય. તે વખતે તેમણે મને યાદ કર્યો અને બરડાના જોખમે  મેં એને  કલાકમાં દેશી અને ઇંગ્લિશની એમ બેય જાતની બાટલીનો મેળ પાડી આપ્યો. આપણે કાળી રાતે એને કામ લાગ્યા એટલે એ આપણી ઈજ્જત કરે છે. તમતમારે ગમે ત્યારે બાટલો જોઈએ તો  કે’જો મૂંઝાતા નહીં.બંદા બેઠા છે.” હું તો ભીખુ બાટલી પર ફિદા થઈ ગયો.

ફરક એટલો જ કે બાટલા માટે લોકો સરકારને, લાગતાવળગતા અધિકારીઓને ફરિયાદ કરી શકે છે. ત્યારે બાટલી બાબતે બંધાણીઓ લાગતાવળગતા અધિકારીઓને (જો તેમની સાથે સારી બેઠક-ઊઠક હોય તો) ફરિયાદ નહીં પણ પ્રાર્થના કરી શકે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. વળી સાહેબોનું દબાણ પણ વાતાવરણના દબાણની જેમ અને વાતાવરણ મુજબ બદલાતું રહે છે. પછી સમય જતાં સાનુકૂળ વાતાવરણ સર્જાય એટલે દબાણ આપોઆપ હળવું થઈ જાય છે.અને ઘીના ઠામમાં ઘી પડી જાય છે. -:: ગરમાગરમ ::- કહેવાય છે કે “પીને વાલે કો પીને કા બહાના ચાહિયે”  પણ ઘણા તો વગર બહાને પીએ છે ને  પછી સરસ મજાના બહાનાનું ઘડતર કરે છે.

Most Popular

To Top