સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ ઊર્જા પર નજર રાખતી સંસ્થા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ દક્ષિણ યુક્રેનમાં રશિયા દ્વારા નિયંત્રિત ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટમાં પરીક્ષણ માટે પરવાનગી માંગી છે, કારણ કે રશિયા અને યુક્રેન બંનેએ એકબીજા પર યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર તોડફોડની યોજના કરવાનો આરોપ મૂક્યો છે. IAEAએ જણાવ્યું હતું કે તે સ્થળ પર વિસ્ફોટકો છે કે નહીં તે સુનિશ્ચિત કરવા ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટમાં વધારાની ઍક્સેસની માંગ કરી રહી છે.
આ મુખ્ય પરમાણુ પાવર પ્લાન્ટ જ્યાં સ્થિત છે ત્યાં લશ્કરી તણાવ અને સૈન્ય પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે IAEAએ સાઇટની આસપાસ સંભવિત લશ્કરી કાર્યવાહીના અહેવાલો પછી ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (ZNPP)ના આંતરિક ભાગોમાં જઈ સ્વતંત્ર રીતે તથ્યોને ચકાસી શકાય તે માટેની પરવાનગી માંગી હતી. IAEAના નિષ્ણાતો ઝાપોરિઝ્ઝિયામાં સાઇટનું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે હજુ સુધી તેમને વિસ્ફોટકોના કોઈ સંકેતો મળ્યા નથી. ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટની આસપાસની પરિસ્થિતીને કારણે સાઇટને સુરક્ષિત રીતે ચલાવવાનું અશક્ય બન્યું હતું, અને જોખમને ઘટાડવા માટે પ્લાન્ટના છ રિએક્ટર સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવ્યા છે.
૧૯૮૬માં રિએક્ટરમાં વિસ્ફોટ થયા પછી IAEAએ ચર્નોબિલ જેવા કિરણોત્સર્ગ વિનાશની શક્યતા અંગે વારંવાર ચેતવણી વ્યક્ત કરી છે. યુક્રેને તાજેતરમાં દાવો કર્યો છે કે મોસ્કો પ્લાન્ટની આસપાસના ઝાપોરિઝિયા ક્ષેત્રમાં કિવના પ્રતિઆક્રમણને પાટા પરથી ઉતારવા માટે પરમાણુ પ્લાન્ટમાં ઇરાદાપૂર્વક લીક કરવાનો પ્રયાસ કરી શકે છે. બીજી તરફ રશિયાએ કિવ પર લાંબા અંતરના ચોકસાઇવાળા શસ્ત્રોથી પરમાણુ સુવિધા પર પ્રહાર કરવાની યોજનાનો આરોપ લગાવ્યો છે.
બંને પક્ષોએ ઝાપોરિઝ્ઝિયા ખાતેની પરિસ્થિતિની તુલના ગયા મહિને નોવા કાખોવકા ડેમના થયેલા વિનાશ સાથે કરી છે, જે ઘટના માટે બંને પક્ષ એકબીજાને દોષી ઠેરવે છે. રશિયા કહે છે કે ડેમનો વિનાશ બતાવે છે કે યુક્રેન શું સક્ષમ છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કહે છે કે ડેમનો નાશ કરવા માટે રશિયાને સજા કરવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ફળતાએ હવે તેને પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કર્યું છે.
ઝાપોરિઝ્ઝિયા ખાતે વધેલા તણાવ વચ્ચે, યુક્રેનના આરોગ્ય મંત્રાલય દ્વારા પ્લાન્ટની આસપાસ રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ મોટા રેડિયેશન લીકના કિસ્સામાં સ્થળાંતર કરવા માટે તૈયાર રહે. ગયા અઠવાડિયે યુક્રેન દ્વારા પ્લાન્ટમાંથી રેડિયેશનના લીક થાય તો શું કરવું તે કવાયત યોજાઇ હતી અને કટોકટીની સ્થિતિમાં આસપાસના વિસ્તારોના ત્રણ લાખ લોકોને સ્થળાંતરીત કરવાની પણ તૈયારી રખાઇ છે.
યુદ્ધ મોરચે સતત પડકારોનો સામનો કરી રહેલું રશિયા અત્યારે ભારે તણાવ હેઠળ છે. એક બાજુ વરસથી ચાલી રહેલું યુદ્ધ, આર્થિક પ્રતિબંધોને કારણે સતત ઘસાઈ રહેલી અર્થવ્યવસ્થા અને યુદ્ધ મોરચે લડી રહેલા તેના ભાડૂતી લશ્કરનો બળવો, આ બધુ પુતીનના ભવિષ્ય સામેના પડકારો દર્શાવે છે. એક સમયમાં રશિયા મહાસત્તા હતું, પણ હવે પરિસ્થિતી ઝડપથી બદલાઈ રહી છે અને સાથે સત્તાના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. રશિયા ઘસાતું ગયું અને યુક્રેન યુદ્ધ બાદ તો તેની ઇજ્જત સાવ તળિયે જઈ બેઠી છે.
આજે રશિયાનું સ્થાન ચીને લીધું છે અને તેની આગેવાની હેઠળ રશિયા, પાકિસ્તાન, ઈરાન, તુર્કી, સાઉદી અરેબિયા વગેરે દેશોની એક ધરી બની છે. યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લેતું. તાજેતરમાં જ યુક્રેનના ઉત્તરપૂર્વીય ખાર્કિવ પ્રદેશના પરવોમાઈસ્કી શહેર પર રશિયન હુમલામાં ૧૨ બાળકો સહિત ઓછામાં ઓછા ૪૩ લોકો ઘાયલ થયા છે. રશિયાના પ્રમુખ પુતીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના નેતાઓને જણાવ્યું હતું કે ગયા મહિને વેગનર ભાડૂતી જૂથ દ્વારા કરવામાં આવેલા અલ્પજીવી બળવા બાદ રશિયન પ્રજા પહેલાં કરતાં વધારે એકજૂથ થઈ છે અને રશિયા પશ્ચિમી પ્રતિબંધો અને ઉશ્કેરણી સામે ઝૂકશે નહીં.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.