પારસી કોમની ઘટતી જતી જનસંખ્યા અને ફેમિલી ફિઝિશ્યનો (એલેપેથી)નાં ઓછાં થતાં ક્લિનિકો સમાજ માટે આવનારા સમય સંદર્ભે જરાયે ઇચ્છનીય તો નથી જ. ખરે જ આપણી વચ્ચે પારસી સમાજનાં લોકોની સંખ્યા ધીમે ધીમે ઓછી તો થઇ રહી જ છે. એક સમયે સુરત જેવાં શહેરોનાં પરાં જેવાં કે સૈયદપુરા, રૂસ્તમપુરા, ગોપીપુરા તથા નાનપુરા વગેરે વિસ્તારોમાં પારસી સમાજના ઢગલે બંધ ઘરો જોવા મળતાં હતાં. પણ હવે એ વિસ્તારનાં ઘણાં ઘરો વેચાઇ ગયાં છે અથવા બંધ છે. એ બતાવે છે કે આ નાનકડો મજેનો સમાજ ધીરે ધીરે સંકોચાતો જાય છે.
એ જ રીતે શહેરમાં અને બીજે પણ એમ.બી.બી.એસ. ડોક્ટરોનાં ક્લિનિકો ઓછાં થતાં જાય છે. વર્તમાને છોકરાઓ કે છોકરીઓ એમ.બી.બી.એસ. થઇને માસ્ટર ડીગ્રી તરફ વધારે વળે છે. પરિણામે એમ.એસ. કે એમ.ડી. થયા પછી એમને એલોપેથીનું નાનું દવાખાનું ખોલવામાં કોઇ રસ હોતો નથી. એટલે હવે એલોપેથી ડોક્ટરોનાં દવાખાનાં ઓછાં થતાં જાય છે. ટૂંકમાં ફેમિલી ફિઝિશ્યનોનાં ક્લિનિક હવે નવાં ખૂલતાં જોવામાં આવતાં જાય. ફેમિલી ફિઝિશ્યનોને આપણાં કુટુંબોના સ્વાસ્થ્ય માટે જે ચિંતાઓ રહેતી હતી એ કોઇ માસ્ટર ડિગ્રીવાળાં ડોક્ટરો ઓછાં રાખવાનાં છે. આમ આ બંને બાબતો ખરે જ સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.