બોરસદ: આણંદની જીલ્લા પંચાયત સહિત વિવિધ તાલુકાઓમાં યોજાનાર પંચાયતીરાજની ચુંટણી સંદર્ભમાં વિવિધ બેઠકો માટે રોટેશન પધ્ધતિથી અનામત સહિત વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થા જાહેર કરવામાં આવેલ છે. ચુંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ વારાફરતી બેઠકોની ફાળવણીથી બોરસદ તાલુકાના રાજકીય ધુરંધરોને પુનઃ સત્તા પ્રાપ્ત કરવાની મહેચ્છા મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ ઉદભવી હોવાની ચર્ચાઓ શરૂ થતાં સમગ્ર બોરસદ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે.
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે રોટેશન મુજબ બોરસદ તાલુકા પંચાયત સભ્યની બેઠકો માટે વિવિધ વર્ગ મુજબ ચુંટણી તંત્ર દ્વારા અનામતની સ્થિતિ જાહેર કરવામાં આવેલ છે. તંત્ર દ્વારા વિવિધ બેઠકો પર નિર્દેશ કરાયેલ જોગવાઈને કારણે રાજકીય પક્ષોના જુના જોગીઓ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
પરંતુ રોટેશનની જોગવાઈને કારણે સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા નવોદિતોમાં તાલુકા પંચાયત ચૂંટણીમાં ઝંપલાવવા માટે થનગનાટ વ્યાપી ગયો છે.
બોરસદના કુલ ૬૫ ગામોની જનસંખ્યા મુજબ કુલ ૩૪ બેઠકોનું માળખું તાલુકા પંચાયત શાસન માટે નિશ્ચિત કરાયેલ છે. ૨૦૧૫ની સામાન્ય ચુંટણીમાં બોરસદ તાલુકા પંચાયત માટે કુલ ૩૪ બેઠકો હતી.
વર્તમાન વર્ષ ૨૦૨૧ દરમિયાન યોજાનાર ચૂંટણીમાં બેઠકોની સંખ્યા યથાવત રહી છે. અનામત વ્યવસ્થા સંદર્ભમાં ગણા બધા ફેરફારો થયેલ છે. જેથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા ધુરંધરોને બોરસદ તાલુકા પંચાયતની પુનઃ સત્તા મેળવવા માટે અનામતની રોટેશન પધ્ધતિથી અસંમજસ સર્જાવા પામી છે.
બોરસદ તાલુકા પંચાયત વર્તમાન પ્રમુખ વિમળાબેન પ્રતાપસિંહ પરમારની સામાન્ય સ્રી અનામત કઠાણા તા.પં. બેઠક નવી રોટેશન પધ્ધતિથી બિન અનામત સામાન્ય થયેલ છે કઠાણા સાથે જંત્રાલ ,ખાનપુર, કાંધરોટી દહેવાણ, દાવોલ કંકાપુરા દેદરડા કણભા ખેડાસા કઠોલ બેઠક બિન અનામત સામાન્ય જાહેર થયેલ છે.
જ્યારે અઢી વર્ષના શાસન ભોગવી ચુકેલા પુર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પરમાર ચુંટાયા હતા તે બિન અનામત સામાન્ય કીખલોડ તા .પં બેઠક નવા રોટેશન મુજબ સામાન્ય સ્ત્રી અનામત જાહેર થયેલ છે.
તેમજ વર્તમાન ઉપપ્રમુખ શંકરભાઈ ખોડાભાઈ ઠાકોર ચુંટાયા હતા તે બિન અનામત સામાન્ય બેઠક વહેરા ઉપપ્રમુખ અલ્પેશભાઈ પટેલની સિસ્વા બેઠક પણ બિન અનામત સામાન્ય બેઠક થયેલ છે. બિન અનામત સામાન્ય બેઠક થી સામાન્ય સ્ત્રી અનામત જાહેર કરાયેલ બેઠકોમાં કોઠીયાખાડ, નાપા તળપદ, નાપા વાંટા, પામોલ, રાસ, સૈજપુર સારોલ, વાલવોડનો સમાવેશ થાય છે.
ત્રણ બેઠકો બિન અનામત સામાન્ય યથાવત
બોરસદ તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૩૧ બેઠકોમાં રોટેશન મુજબ ફેરફાર કરવામાં આવેલ છે પરંતુ ત્રણ બેઠકો વર્ષ ૨૦૧૫ની ચુંટણીમાં પણ બિન અનામત સામાન્ય બેઠક હતી. તો તાજેતરમાં જાહેર કરાયેલ નવા રોટેશન મુજબ પણ બિન અનામત સામાન્ય બેઠક જાહેર કરવામાં આવેલ છે. આ ત્રણ બેઠકોમાં વિરસદ વાસણા ( બો)અને ઝારોલાનો સમાવેશ થાય છે.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ બેઠક
બોરસદ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૨૦ માટે કુલ બેઠકો પૈકી ત્રણ બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ માટે અનામત જાહેર થયેલ છે . જે મુજબ ચુવા અને બોદાલ તા.પં બેઠકો જે વર્ષ ૨૦૧૫ની ચુંટણી વખતે સામાન્ય સ્ત્રી અનામત હતી. તે વર્તમાન વર્ષમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે જાહેર થયેલ છે. બોચાસણ બેઠક ગત ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી અનામત હતી તેને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી અનામત જાહેર કરાઈ છે.