વડોદરા : વડોદરામાં ગણેશઉત્સવનો માહોલ જામ્યો છે.શ્રીજી ભક્તો દ્વારા શહેરમાં પરંપરા મુજબ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા તંત્ર દ્વારા બનાવાયેલા નવલખી કુત્રિમ તળાવમાં માત્ર ત્રણ ફૂટ જેટલું જ પાણી ભરાયેલું જોવા મળ્યું છે.જ્યારે જેલ રોડ પાણીની ટાંકી ખાતેથી બંબા મારફતે પાણી ઠાલવવમાં આવી રહ્યું છે.સાથે બોરિંગની કામગીરી પણ હજી પુરી કરવામાં આવી નથી.
જેને લઈ સામાજીક કાર્યકર કમલેશ પરમારે પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રીજીની વિસર્જન યાત્રામાં 15 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે.જ્યારે નવલખી ખાતે પોલીસ તંત્ર દ્વારા માત્ર 3 જ વ્યક્તિઓને જવા દેવામાં આવી રહ્યા છે.મોટાભાગે શહેરમાં માટીની શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.જેમાંથી કેટલીક મૂર્તિઓ વજનમાં ભારે હોવાથી ત્રણ વ્યક્તિઓ તેને ઊંચકી શકે તેમ ન હોવાથી પોલીસ અને પ્રજા વચ્ચે શાબ્દિક ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે.સૌથી મોટા વિસર્જન એટલેકે 10 માં દિવસને આડે હવે માત્ર બે દિવસ બાકી છે.
ગુરુવારે સાતમા દિવસે શહેરના કુત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન થવા પામ્યું હતું.બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાની કામગીરીમાં ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જાય તેવો ઘાટ સર્જાયો હોવાનું જોવા મળ્યું છે.હાલ કુત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે.પરંતુ નવલખી ખાતેના કુત્રિમ તળાવમાં તેની ક્ષમતા કરતા માત્ર ત્રણ ફૂટ સુધીના જ પાણી ભરાયેલા જોવા મળ્યા છે.જ્યારે દસમા દિવસે મોટી માત્રામાં આ નવલખી ખાતેના કુત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે.ત્યારે હજી પણ આ સ્થળે બોરિંગ બનાવવાની ચાલી રહેલી કામગીરીને પૂર્ણ કરવામાં આવી નથી.
ત્યારે કુત્રિમ તળાવમાં પાણીની વ્યવસ્થા કરી નથી.બોરિંગ બનાવવાની કામગીરી પહેલા કરી દેવી જોઈએ તેની જગ્યાએ હાલમાં પણ કામગીરી ચાલી રહી છે.નવલખી કુત્રિમ તળાવમાં પાણીની ઘટ ન પડે તે માટે જેલ રોડ ટાંકી માંથી બંબા મારફતે પાણી લાવી કુત્રિમ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે.આજે ડેપ્યુટી મેયર અહીં સ્થળ મુલાકાતે આવ્યા હતા.પરંતુ પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા નહીં.શુ પરિસ્થિતિ છે.તેનું નિરીક્ષણ કર્યા વિના અહીંથી પરત ફર્યા હતા.સાથે સાથે શહેરના વિવિધ માર્ગો પર પણ ખાડા ખરબચડા પડ્યા છે.જેથી કરીને વિસર્જન ટાણે શ્રીજી ભક્તોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે.