નાલંદા: બિહારના (Bihar) નાલંદાના (Nalanda) કુલ ગામમાં 3 વર્ષનો બાળક રમતા રમતા 40 ફૂટ ઉંડા બોરવેલમાં (Borewell) પડી ગયો હતો. આ બાબતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ પોલીસને (Police) આ અંગેની જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ બાળકનું બચાવ કાર્ય શરૂ કરાયું હતું. જેસીબીથી (JCB) બાળકને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. લોકોનું કહેવું છે કે બાળક માતાની પાછળ ખેતર (Farm) તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડી ગયો હતો.
ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ જેસીબી બોલાવીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બોરવેલમાં પડેલા બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ માટે NDRF, SDRFની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. મેડિકલ ટીમ પણ સ્થળ પર હાજર છે. બોરવેલની અંદર બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે અને સહીસલામત રીતે તેને બહાર કાઢવામાં આવે.
લોકોનું કહેવું છે કે ગામમાં સિંચાઈ માટે બોરવેલ કરવામાં આવી રહ્યો હતો જેમાં બાળક પડી ગયું હતું. ઘટના અંગે બાળકની માતાએ કહ્યું કે તે ખેતરમાં કામ કરી રહી હતી, બાળક ત્યાં રમી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસી ગયો અને તે બોરવેલમાં પડી ગયો હતો. બાળકના રેસ્કયુ માટે NDRFની સાથે જિલ્લા વહીવટી તંત્રની ટીમો પણ કામગીરીમાં લાગેલી છે. હાલ જેસીબી દ્વારા બોરવેલની સમાંતર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ સામેથી જગ્યા બનાવીને બાળકને બહાર કાઢવામાં આવશે. નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમાર પણ બચાવ કામગીરીના સ્થળે પહોંચી ગયા છે.