Columns

દિલ્હીની સરહદ પર ભારત-ચીન સરહદ જેવી કિલ્લેબંધી કરવાની જરૂર કેમ પડી?

દિલ્હીની સરહદ પર ૭૦ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોને રોકવા માટે જે કિલ્લેબંધી કરવામાં આવી છે તે જોઈને એક પત્રકાર બોલી ઊઠ્યો હતો કે જો લડાખ કે ડોકલામ સરહદે પણ આવી કિલ્લેબંધી કરવામાં આવી હોત તો ચીનનું લશ્કર ભારતમાં ઘૂસી ન ગયું હોત. સરકાર જાણે દિલ્હીને ભારત માને છે અને હરિયાણા તેમ જ ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોને પાકિસ્તાન માને છે.

પાકિસ્તાનના આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ અટકાવવા માટે લાઈન ઓફ કન્ટ્રોલ પર જેવી કાંટાળા તારની વાડ ઊભી કરવામાં આવી છે તેવી વાડ ગાઝિપુર, ટિકરી અને સિંધુ સરહદ પર ઊભી કરી દેવામાં આવી છે. નેશનલ હાઇ વે પર ત્રણ ફૂટ જાડાઈ ધરાવતી કોંક્રિટની દિવાલ પણ ઊભી કરી દેવામાં આવી છે.

જમીનમાં ત્રણ ફૂટ ઊંડા ખાડા ખોદીને તેમાં ખીલા જડી દેવામાં આવ્યા છે. આઠ ફૂટ ઊંચી દિવાલ નજીક આઠ ફૂટ ઊંડી ખાઈ ખોદવામાં આવી છે. દિલ્હી સરહદ પર દોઢ કિલોમીટર લંબાઇમાં ભારે કન્ટેઇનરો ઊભાં રાખી દેવામાં આવ્યાં છે. કિસાન નિહંગો કાયમ પોતાની પાસે તલવારો રાખતા હોય છે. તેમનો મુકાબલો કરવો પડે તો તેના માટે દિલ્હી પોલીસને તલવારબાજીની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

જાણે કે કિસાનો સાથે મોટું યુદ્ધ થવાનું હોય તેવો માહોલ પેદા થયો છે. સરકાર એક બાજુ કિસાનોને મંત્રણાનું આમંત્રણ આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે સમાધાન એક ફોન કોલ જેટલું દૂર છે. બીજી બાજુ કિસાન આંદોલનને બળપૂર્વક કચડી નાખવાની તમામ તૈયારીઓ ચાલી રહી છે.

પ્રજાસત્તાક દિનની ઘટના પછી સરકારને ડર પેઠો છે કે લાખો કિસાનો દિલ્હીમાં ઘૂસી જશે અને ભારતની લોકશાહીના પ્રતીક સમા સંસદ ભવન પર કબજો જમાવી દેશે. જો તેવું થાય તો જગતના ચોકમાં સરકારની ફજેતી થયા વિના રહે નહીં. કિસાનો કહે છે કે અમે આવતા ઓક્ટોબર સુધી અહીં રહેવાનું આયોજન કરી લીધું છે. કૃષિવિષયક ત્રણ કાયદાઓમાં એવું શું છે કે જેને બચાવવા માટે સરકારે પોતાની આબરૂને દાવ પર લગાવી દીધી છે?

દિલ્હી અને ચંડીગઢ વચ્ચેનો નેશનલ હાઈ વે કાયમ ટ્રાફિકથી ધમધમતો હોય છે. આ હાઈ વે પર લાખો કિસાનો બે મહિના કરતાં વધુ સમયથી ધામા નાખીને બેઠા છે. આ હાઇ વે ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ હોય તેમ તેની ઉપર ચાર-પાંચ ફૂટ જાડાઈ ધરાવતી કોંક્રિટની દિવાલ ઊભી કરી દેવામાં આવી છે.

કિસાનો માટે દિલ્હી સરકાર દ્વારા જે મોબાઇલ જાજરૂની વ્યવસ્થા કરવામાં આવી હતી તે સરહદથી દિલ્હી વચ્ચેના રોડ ઉપર છે. દિલ્હી સરકાર દ્વારા પીવાનાં પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસની કિલ્લેબંધીને કારણે કિસાનો ટોઈલેટ સુધી જઈ શકતા નથી અને પાણી પણ ભરી શકતા નથી.

દિલ્હીના નાગરિકો કિસાનો માટે જે રાહત સામગ્રી લઈને આવતા હતા તે પણ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીની સરહદોની બંને બાજુ લાખો લોકો વસવાટ કરે છે. તેઓ પોતાના ધંધા-રોજગાર માટે અને જીવનજરૂરિયાતની ચીજો ખરીદવા માટે સરહદની બંને બાજુ અવરજવર કરતા હોય છે. દિલ્હીની પોલીસે કિલ્લેબંધી કરીને આ તમામ અવરજવર બંધ કરી છે. તેને કારણે સ્થાનિક જનતા હાડમારીનો અનુભવ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક બાજુ સ્વચ્છ ભારતની અને શૌચાલયો બાંધવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. બીજી બાજુ સરહદ પર આંદોલન કરી રહેલા કિસાનોની શૌચાલયની સગવડ ઝૂંટવી લેવામાં આવી છે. તેમને વીજળી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કિસાનો પણ સરકાર સામે ઝૂકવાના મૂડમાં નથી.

તેઓ વીજળી માટે જનરેટરો લઈને આવ્યા છે. શૌચાલયની સગવડ છીનવાઈ જતાં તેઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. ભારતના કિસાનો માટે તો આમ પણ ખુલ્લામાં શૌચ કરવાની કોઈ નવાઈ નથી; પણ મહિલાઓ માટે મુશ્કેલી છે. તેમના માટે કિસાનોએ કામચલાઉ શૌચાલયો પણ ઊભાં કર્યાં છે. કિસાનો કહે છે કે જો સરકાર પાણીનો પુરવઠો કાપી નાખશે તો તેઓ બોરવેલ ખોદી કાઢશે. કિસાનોને બોરવેલ ખોદવાનો બહોળો અનુભવ છે.

તા. ૨૬ જાન્યુઆરી પછી ટિકરી સરહદે આંદોલન કરી રહેલા કિસાનો અને સ્થાનિક લોકો વચ્ચે ચકમક ઝરી હતી. સ્થાનિક પ્રજાએ આક્ષેપ કર્યો હતો કે કિસાન આંદોલનને કારણે તેમના ધંધાઓ ખોરવાઇ ગયા છે.

જ્યારે સ્થાનિક લોકો કિસાનો પર પથ્થરો ફેંકી રહ્યા હતા ત્યારે પોલીસ દૂર ઊભી રહીને તમાશો જોતી હતી. કિસાન નેતા રાકેશ ટિકૈતના આક્ષેપ મુજબ કેન્દ્ર સરકાર કિસાનો અને સ્થાનિક પ્રજા વચ્ચે તોફાનો કરાવવા માગે છે. તે માટે જ સ્થાનિક લોકોની અવરજવર પર નિયંત્રણો મૂકી દેવામાં આવ્યાં છે. આવાં નિયંત્રણો બે દેશોની સરહદો વચ્ચે જોવા મળતાં હોય છે.

તા. ૨૬ જાન્યુઆરી પહેલાં કિસાન આંદોલનમાં મુખ્ય ભૂમિકા પંજાબના શીખ કિસાનો ભજવી રહ્યા હતા. તેમાં હરિયાણાના જાટ કિસાનો બહુ નાની સંખ્યામાં સામેલ હતા. ઉત્તર પ્રદેશના કિસાનો પણ તેમાં બહુ અલ્પ સંખ્યામાં સહભાગી હતા. ૨૬ જાન્યુઆરીની ઘટના પછી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશને અડીને આવેલી ગાઝિપુર સરહદ પરના કિસાનો પર ત્રાટકવાની યોજના બનાવી હતી, કારણ કે ત્યાં કિસાનોની સંખ્યા સૌથી ઓછી હતી.

ગાઝિપુર સરહદ પર ધરણાં કરી રહેલા જાટ કિસાન નેતા રાકેશ ટિકૈતની ધરપકડ કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. રાકેશ ટિકૈતે પણ આત્મસમર્પણ કરવાની તૈયારી કરી લીધી હતી. કિસાનો પણ પોતાનું આંદોલન ગાઝિપુર બોર્ડર પર સમેટીને પાછા ફરવાની તૈયારી કરતા હતા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે પાછા ફરી રહેલા કિસાનોની મારપીટ કરવા ભાજપના કેટલાક કાર્યકરો તૈયારી કરી રહ્યા છે. આ વાત રાકેશ ટિકૈતને મળતાં તેમણે આત્મસમર્પણનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને લડી લેવાનું નક્કી કર્યું હતું.

આ નિર્ણય પત્રકારો સમક્ષ જાહેર કરતાં તેઓ રડી પડ્યા હતા. આંખમાં આંસું સાથેનો તેમનો વીડિયો વાયરલ થતાં કિસાનો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે રાકેશ ટિકૈતની પડખે રહેવાનું નક્કી કર્યું હતું. ઉત્તર પ્રદેશના અને હરિયાણાનાં હજારો કિસાનો રાતોરાત ગાઝિપુર સરહદ પર પહોંચી ગયાં હતાં. દિલ્હીની પોલીસને આ વાતની જાણ થતાં તેણે પીછેહઠ કરી હતી અને ધરપકડની યોજના પડતી મૂકી હતી.

આ ઘટના પછી હરિયાણાના અને ઉત્તર પ્રદેશના જાટ કિસાનો એકદમ સક્રિય થઇ ગયા છે. જાટ કિસાનો દ્વારા મુઝફ્ફરનગરમાં ખાપ પંચાયત ભરવામાં આવી હતી, જેમાં આશરે એક લાખ કિસાનો હાજર રહ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તમને સંદેશો મળે કે તરત ગાઝિપુર સરહદે પહોંચવાની તૈયારી રાખવી. બીજા દિવસે મથુરામાં ખાપ પંચાયત મળી હતી. તેમાં પણ કિસાન આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

ચૌધરી ચરણસિંહના પૌત્ર અને નેશનલ લોકદળના નેતા જયંત ચૌધરી દ્વારા રાકેશ ટિકૈતને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. રાકેશ ટિકૈતના ભાઈ નરેશ ટિકૈત પણ તેમની પડખે ઊભા રહ્યા હતા. ઉત્તર પ્રદેશના જાટ કિસાનો હાલમાં ભાજપના ટેકોદારો છે. તેમણે કિસાન આંદોલનને ટેકો જાહેર કરતાં કેન્દ્ર સરકાર હચમચી ગઈ છે.

ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓ જાટ કોમના ટેકા વગર જીતી શકાય તેમ નથી. શીખ અને જાટ ભારતની બે શૂરવીર કોમો છે. આ બંને કોમનો લશ્કરમાં મોટો હિસ્સો છે. તેમને દુશ્મન બનાવીને કેન્દ્ર સરકાર કિસાન આંદોલનને કચડવા ચાહે તો તે સંભવિત નથી.

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top