Madhya Gujarat

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાકુવા પાસે બુટલેગરોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો

દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાકુવા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે મોટરસાઈકલો પર લઈ જવાતો વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવાનો અને રોકવાનો પ્રયાસ કરતાં બુટલેગરો તથા તેમની સાથેના ૧૫થી વધુ જેટલા ઈસમોએ પોલીસ પર મારક હથિયારો વડે હુમલો કર્યાે હતો અને પોલીસની એક ફોર વ્હીલર ગાડીને સળગાવી દઈ અંદાજે દોઢ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ઘટનાની જાણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે મધ્યપ્રદેશના ત્રણ જેટલા બુટલેગર ઈસમ સહિત ૧૫થી વધુ ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે.

ગતરોજ રાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે કાલીયાકુવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ મોટરસાઈકલો પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો નજરે પડ્યાં હતાં. પોલીસે તેઓને પકડવા માટે રોકવાનો પ્રયાસ કર્યાે હતો ત્યારે બુટલેગરો સાથે પોલીસની રકઝક થતાં અને ઝઘડો તકરાર થતાં પાછળથી અન્ય મોટરસાઈકલો પર મારક હથિયારો સાથે દોડી આવેલ ૧૫ જેટલા ઈસમોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યાે હતો. પોલીસ અને બુટલેગરો પર સામસામે ઘર્ષણ થતાં પોલીસે પોતાના સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.

ફાયરીંગમાં કોઈને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી પરંતુ પોલીસે બુટલેગરોને પ્રતિકાર કરતાં ઉશ્કેરાયેલ બુટલેગરોએ પોલીસને એક ફોર વ્હીલર ગાડીને આગ ચંપી કરી દેતાં પોલીસની ફોર વ્હીલર ગાડી સંપુર્ણ બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસ પર હુમલો કરી બુટલેગરો તથા તેના સાગરીતો ફરાર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા સહિતને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Most Popular

To Top