National

ટ્રેનની ઓનલાઈન ટિકીટ બુક કરાવવાનું પડી શકે છે ભારે, IRCTCએ ચેતવણી આપી

નવી દિલ્હી: જો તમે ટ્રેનની ટિકીટ ઓનલાઈન બુક કરાવો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે. આવું ખુદ IRCTC જ કહે છે. IRCTCએ મુસાફરોને ઓનલાઈન ટિકીટ બુક ન કરવા સલાહ આપી છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલાંક હેકર્સ દ્વારા IRCTC ની અસલી વેબસાઈટ જેવી જ નકલી વેબસાઈટ અને એપ્લીકેશન બનાવી છે અને તેઓ આ નકલી વેબસાઈટની મદદથી યુઝર્સના ડેટા ચોરી તેઓના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરી રહ્યાં છે.

સાઈબર હેકર્સે ભારતના સૌથી મોટા ઓનલાઈન નેટવર્ક IRCTCની વેબસાઈટ અને એપ્લીકેશન જેવી જ નકલી વેબસાઈટ અને એપ્લીકેશન બનાવી લોકોને છેતરવાનો કારસો રચ્યો છે. નવાઈની વાત એ છે કે આ નકલી વેબસાઈટ અને એપ્લીકેશન અદ્દલ અસલી જેવી જ લાગે છે, તેથી કોઈ પણ આસાનીથી તે વેબસાઈટ અને એપ્લીકેશન ઓપન કરી લે છે.

એકવાર આ નકલી વેબસાઈટ કે એપ ઓપન કરવામાં આવે એટલે તરત જ યુઝર્સના બધા ડેટા હેકર્સ ચોરી લે છે. આ વિગતો IRCTCએ જાતે જ જાહેર કરી છે. IRCTCએ મુસાફરોને ચેતવણી આપતા કહ્યું કે, હેકર્સ નકલી વેબસાઈટ અને એપની મદદથી યુઝર્સના ડેટા ચોરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર irctcconnect.apk અને url https://irctc.creditmobile.site નકલી વેબ અને એપ્લીકેશન એડ્રેસ છે. આ વેબ અને એપ ખોલવા સાથે જ યુઝર્સ મુશ્કેલીમાં મુકાય જાય છે.

જેવી આ વેબસાઈટ કે એપ્લીકેશન ઓપન કરવામાં આવે એટલા યુઝર્સના મોબાઈલ કે કમ્પ્યૂટરમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે અને તેની મદદથી હેકર્સ યુઝર્સના તમામ ડેટા ચેરી લે છે. ત્યાર બાદ રેલવે અધિકારીઓ હોવાનો ઢોંગ કરી હેકર્સ યુઝર્સના નેટબેન્કિંગની અંગત વિગતો મેળવી તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરે છે.

IRCTCએ મુસાફરો-યુઝર્સને ચેતવણી આપતા કહ્યું છે કે હંમેશા ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી જ IRCTCની એપ્લીકેશન ડાઉનલોડ કરવી જોઈએ. તે ઉપરાંત IRCTC ક્યારેય પણ યુઝર્સને તેમની અંગત વિગતો, બેન્ક સંબંધિત વિગતો પૂછતું નથી.

Most Popular

To Top