વાચન વાચકનો દૃષ્ટિકોણ બદલી શકે છે. વાચન ઉત્તમ પુસ્તકો દ્વારા થયું હોય તો એ વાચન દૃષ્ટિને, વિચારધારાને વિશાળતા અર્પણ કરે છે. સારા વિચારો માનવીના જીવનનું ઘડતર પણ કરી શકે છે અને શ્રેષ્ઠ સંસ્કારસિંચન પણ કરે છે. પ્રત્યેક માવતરે કુમળા છોડ સમાં સંતાનોને શૈશવ અવસ્થાથી જ વાચનની ટેવ અવશ્ય કરવી જ રહી. જેનો પ્રારંભ બાળવાર્તાઓથી થઈ શકે. પુસ્તક નામનો પરમ મિત્ર માનવીને કદી પણ એકલતાનો અહેસાસ નથી થવા દેતો. જીવનના નિવૃત્તિ સમયે પુસ્તક સદા સાથી બની મિત્રતા નિભાવતું હોય છે. વાચન વિચારતાં તો અવશ્ય કરે, સાથે અંધશ્રધ્ધાનાં પડળ પણ દૂર કરી શકે.
અખબારોની પૂર્તિ, સારાં પુસ્તકો, સામયિકો, સાપ્તાહિકો, માસિક વિ. વિવિધ પ્રકારના વાચન દ્વારા અવનવી માહિતી પ્રદાન થતી હોય છે જેના દ્વારા વાચકોમાં જ્ઞાનવૃધ્ધિ અવશ્ય થાય. દેશ-વિદેશના સમાચારો ઉપરાંત વૈજ્ઞાનિક શોધનો માહિતી સંચાર પણ જાણવા અને માણવા મળે. ક્યારેક વાચનના અભાવથી માનવી કૂપમંડૂકની સ્થિતિ પ્રાપ્ત કરે છે! વાર્તા, કાવ્ય, ગઝલના વાચન દ્વારા માનવી સંવેદનશીલતા અનુભવી શકે છે. જ્ઞાનવૃધ્ધિ માટે વાચન અનિવાર્ય છે અને વાચન માટે પુસ્તકપ્રેમ પણ અનિવાર્ય છે. સારા-નરસાનો ભેદ પણ વાચન દ્વારા જ અનુભવી શકાય છે. પુસ્તક કોઈ મિત્ર કે શિક્ષક નથી. વાચનને શ્વસન અને જીવન માનવું લાભદાયક હોઈ શકે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આપદા અને વિપદા
આપદા અને વિપદા એટલે આફત અને વિપત. આપદાનો અર્થ થાય કુદરતી આફત જેમ કે રેલ આવે, ધરતીકંપ આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ પડે, વાદળ ફાટે વરસાદની હેલી થાય. અતિશય તાપ પડે, અતિશય ઠંડી પડે કે જેમાં મનુષ્યોને તકલીફ પડે અને કયારેક જીવ પણ ગુમાવે. જયારે વિપદા શારીરિક, માનસિક, સામાજિક મુસબીતો આવે તેને કહેવાય છે. બચવાના ઘણા ઉપાયો હોય છે પણ આપદા તો આપણે વેઠવી જ પડે છે. એનાથી બચવાના કોઇ ઉપાય હોતા નથી.
અડાજણ – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)