National

ફરી 50 ફ્લાઈટ્સને મળી બોમ્બની ધમકી, 14 દિવસમાં 350 થી વધુ ફ્લાઈટ્સને મળી ચુકી છે ધમકીઓ

ત્રણ ઈન્ડિયન એરલાઈન્સની 50 ફ્લાઈટને રવિવારે બોમ્બની ધમકી મળી છે. જેમાં ઈન્ડિગોની 18, વિસ્તારાની 17 અને અકાસાની 15 ફ્લાઈટ્સ સામેલ છે. આ રીતે 14 દિવસમાં 350થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જો કે તપાસ કરતાં આ તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન એરલાઈન્સ કંપનીઓને આ ધમકીઓને કારણે 600 કરોડથી વધુનું નુકસાન થઈ ચુક્યું છે.

કેન્દ્ર સરકારે આ ધમકીઓ પર કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે 26 ઓક્ટોબરે એક એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું હતું કે જો તેઓ આવી ખોટી માહિતીને તાત્કાલિક દૂર નહીં કરે તો તેમને આઈટી એક્ટ હેઠળ આપવામાં આવેલી ઈમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી માહિતી તાત્કાલિક દૂર કરવી પડશે અને આ માહિતી સંબંધિત અધિકારીઓને પણ આપવી પડશે. તાજેતરમાં જ વિમાનો સામે મળેલી ધમકીઓને કારણે એરલાઇન્સ સેવાઓ પર ખરાબ અસર પડી છે. ઉડ્ડયન મંત્રાલયને 600 કરોડથી વધુનું નુકસાન થયું છે.

બોમ્બની ધમકીના કેસમાં અત્યાર સુધીમાં બેની ધરપકડ
ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 25 વર્ષીય યુવકની દિલ્હી પોલીસે 26 ઓક્ટોબરે અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 25 વર્ષીય શુભમ ઉપાધ્યાયે 25 ઓક્ટોબરે IGI એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની બે ખોટી ધમકીઓ પોસ્ટ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે પ્રખ્યાત થવા માટે આવું કર્યું હતું.

અગાઉ મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. પૈસાને લઈને તેનો મિત્ર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તેણે એક મિત્રના નામે એક્સ એકાઉન્ટ બનાવ્યું હતું અને 14 ઓક્ટોબરે 4 ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી પોસ્ટ કરવામાં આવી હતી.

Most Popular

To Top