National

‘અંબાણીના લગ્નમાં બોમ્બ’, મેસેજ મળતાં મુંબઈ પોલીસ દોડતી થઈ

મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં દેશ વિદેશની સેલિબ્રિટી હર્ષભેર જોડાઈ હતી. સાધુસંતો, નેતા, અભિનેતા તમામ આ લગ્નસમારોહના ભાગ બન્યા હતા, ત્યારે આ લગ્નોત્સવમાં બોમ્બ વિસ્ફોટ અંગેનો એક મેસેજ મળતા મુંબઈ પોલીસને પરસેવો છૂટી ગયો હતો.

વાસ્તવમાં એક સોશિયલ મીડિયા એક્સ યુઝરે મુંબઈ પોલીસને એક પોસ્ટ વિશે જાણ કરી હતી. આ પોસ્ટ FFSFIR નામના એક એક્સ યુઝરે કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મારા મગજમાં એક જંગલી વિચાર આવ્યો છે કે જો અંબાણીના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થશે તો અડધી દુનિયામાં અરાજકતા ફેલાઈ જશે. કરોડો રૂપિયાનો વેડફાટ થશે.

આ પોસ્ટની જાણ થયા બાદ મુંબઈ પોલીસે લગ્ન સ્થળની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી હતી. પોલીસ ચોકીઓ પર અધિકારીઓની તૈનાતી વધારી દેવામાં આવી હતી અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે બોમ્બની ધમકી એક ખોટો મેસેજ હતો. તેમ છતાં પોલીસે વધારાના સુરક્ષા પગલાં લીધાં હતાં.

હવે બોમ્બની ધમકીના આ મામલામાં તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસની સાયબર વિંગ આ મામલાની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસની સાયબર ટીમ આ એકાઉન્ટમાંથી પોસ્ટ કરનાર ભૂતપૂર્વ યુઝરની વિગતો એકત્રિત કરી રહી છે. આ અંગે એક્સ પાસેથી વિગતો પણ માંગવામાં આવી છે. જો કે રવિવાર સાંજ સુધી આ મામલે કેસ નોંધવામાં આવ્યો ન હતો, પરંતુ પૂર્વ યુઝરને શોધવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે શનિવારે બે લોકોએ લગ્ન સ્થળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક યુટ્યુબર હતો જ્યારે બીજો આંધ્રપ્રદેશનો વેપારી હતો, જેને સુરક્ષા કર્મચારીઓએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, તેમને નોટિસ આપવામાં આવી હતી અને ચકાસણી બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.

અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા.

‘શુભ આશીર્વાદ’ પછી રિસેપ્શન 14મી જુલાઈ એટલે કે રવિવારે યોજવામાં આવ્યું હતું. અનંત-રાધિકાના રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તમામ ફંક્શન્સ પૂરા થયા બાદ અનંત-રાધિકા પરિવાર સાથે લંડન જશે. આ લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીની સાથે બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિતની અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી.

વિદેશી મહેમાનોમાં ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ, કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર લાના ડેલ રે, કિમ અને કોહલ કાર્દાશિયનથી લઈને WWE રેસલર જ્હોન સીના સુધી ઘણા પ્રખ્યાત લોકો પહોંચ્યા હતા

Most Popular

To Top