ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢના સેક્ટર 26માં આવેલા એક નાઈટ ક્લબમાં આજે મંગળવારે બપોરે વિસ્ફોટ થયા હતા. બે આરોપી મોટરસાઇકલ પર આવ્યા હતા અને ક્લબ નજીક એક બાદ એક બે બોમ્બ ફેંક્યા હતા.આ ક્લબ સિંગર અને રેપર બાદશાહની હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કેમ કરાયો તે હજુ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાદશાહની બાર એન્ડ રેસ્ટોરન્ટ ક્લબની બહાર આ બ્લાસ્ટ આજે તા. 26 નવેમ્બરની બપોરે 2:30 થી 2:45 વચ્ચે થયો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે બ્લાસ્ટથી અનેક બારીઓના કાચ તૂટી ગયા હતા. બોમ્બ હુમલાની માહિતી મળતા જ ચંદીગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ગુનેગારોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સીએફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેમ્પલ લેવા ટીમો પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે દેશી બનાવટના બોમ્બથી હુમલો થયો હોઈ શકે છે. આ ઘટના પાછળ ખંડણીનો હેતુ હોઈ શકે છે. પોલીસ આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સાચું કારણ જાણી શકાય અને ગુનેગારોને વહેલી તકે પકડી શકાય. પોલીસને એવી પણ શંકા છે કે આ મામલો છેડતી સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો તપાસમાં લાગેલા છે. હજુ સુધી પોલીસ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક સમયથી ચંદીગઢમાં ક્લબ માલિકો પાસેથી ખંડણી વસૂલવા ધાકધમકી અપાતી હોવાની અનેક ફરિયાદો પોલીસને મળી છે. ચંદીગઢના ઘણા ક્લબ માલિકો પાસેથી ગેંગસ્ટરોએ પૈસા પડાવ્યા છે. ગેંગસ્ટરો ક્લબ માલિકોને ધમકીઓ આપતા રહે છે. થોડા દિવસો પહેલા કલબોમાં બાઉન્સર મોકલવાની એજન્સી ધરાવતા યુવક પર પણ ખંડણી ન ચૂકવવા બદલ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચંદીગઢ પોલીસે સ્થળ પર ફોરેન્સિક એક્સપર્ટને પણ બોલાવ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે બ્લાસ્ટ બાદ પોસ્ટ મુકી, ફોન નહીં ઉઠાવ્યો એટલે..
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ મંગળવારે ચંદીગઢમાં બે નાઈટ ક્લબની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિસ્ફોટની જવાબદારી લીધી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમણે દાવો કર્યો હતો કે સિલ્વર રેસ્ટોરન્ટ જ્યાં બ્લાસ્ટ થયો હતો તેનો માલિક રેપર બાદશાહ છે. પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટના માલિકને ખંડણીનો કોલ કર્યો હતો પરંતુ તેણે તે રીસીવ કર્યો ન હતો. ફોન ન ઉઠાવ્યો તો કાન ખોલી નાંખ્યા.