Business

બોલો ઇશુદાન, શીંગડાં કપાવવાં છે કે ઊંચાં કરવાં છે?

ભારતીય જનતા પક્ષ અને તેમની સરકારે હવે એવી પોલીસ, એવા કાયદા અને એવી જેલની અલગથી વ્યવસ્થા કરવી જોઇએ જેમાં પોતાના પક્ષ કે સરકાર સામે પડનારને પકડી કાયદામાં ફસાવી શકાય ને જેલમાં ધકેલી શકાય. પેલા હાર્દિક પટેલની તો તેમણે બહુ બૂરી વલે કરી હતી અત્યારે ઇશુદાન ગઢવીના ગઢના કાંગરા ખેરવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. ગુજરાતમાં દારૂ પીવો ‘ગેરકાયદે રીતે કાયદેસર છે’ ઇશુદાન ગઢવી પીધેલ છે કે નહીં તે ખબર નથી અને હકીકતે તો તેમને ય ખબર નથી પણ તેમને લેબોરેટરી માન્ય પીધેલ પુરવાર કરાયા છે અને જામીન આપી છોડાવવા પડે એટલી વાર જેલ હવાલે પણ કરાયા છે. હકીકતે ઇશુદાને દારૂ પીધો કે ન પીધો એ બાબત જ નથી. તે ‘આપ’માં છે ને બહુ શીંગડાં ભરાવે એ જ બાબત છે. ગુજરાત સરકારને શીંગડાં વિનાના રાજનેતા જોઇતા હોય છે. અત્યાર સુધીમાં જે શીંગડાવાળા નેતા હતા તેમાંના ઘણાને ભાજપે પોતાના સલૂનમાં ધકેલી શીંગડાં વિનાના કેસરી કરી નાંખ્યા છે. અત્યારે મહેશ સવાણી બાબતે ય એવા પ્રયત્ન થઇ રહ્યા છે. ભાજપની નીતિ છે કે ચૂંટણી પહેલાં જ જે હરાવે એવા લાગે તેને જીતી લો – સામ, દામ, દંડ, ભેદ કોઇ પણ રીતે.ઇશુદાને વિચારી લેવા જેવું છે કે તેમણે કરવું છે શું? શીંગડાં કપાવવાં છે કે હજુ મોટાં કરવાં છે?

જયાં પટેલ ત્યાં પાટીલ, દિલ સે મીલે દિલ

નરેશ પટેલે રાજકારણમાં આવવું છે તે તો પાકકું છે પણ તેમને ખબર છે કે કોઇ એક પક્ષના થઇ જવા પહેલાં હમણાં ‘ભાવ’ ખાવાનો સમય છે. તેઓ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તો છે ને પોતાને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સમજે છે. આ માટે તેઓ અત્યારે ગુજરાતમાં જુદી જુદી દિશાઓ ગજાવે છે ને હોંકારા -પડકારા કરે છે પણ તેમને મળવાનું પ્રોપર સ્થળ કાગવડમાં આવેલું ખોડલધામ મંદિર છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આ જાણે છે એટલે તેઓ ત્યાં પહોંચી ગયા. નરેશ પટેલ માટે તો આ વટનો સમય કહેવાય કે પાટીલમાં પટેલપણાનો પ્રવેશ કરાવે. હકીકતે છે એનાથી ઊંધું પણ આ બધા નમન ત્યાં સુધીના છે જયાં સુધી નરેશ પટેલનો ભાજપ પ્રવેશ ન થાય. લગ્ન નકકી ન થાય ત્યાં સુધી કન્યા ઘણી વરણાગી કરી લે છે પણ લગ્ન થાય પછી વરણાગી પટારામાં મૂકી દેવાની. નરેશ પટેલ હમણાં એ ઘરના આંગણે જ વરણાગી કરે છે જેમાં જવાની ઇચ્છા છે. બસ, ગૃહપ્રવેશ થવા દો પછી વરણાગી નહીં, આંગણું ય નહીં!

જયાં મંત્રીના મંત્ર ચાલતા નથી, અધિકારીઓ જેમનું સાંભળતા નથી

સરકારના દરેક મંત્રીઓને એવું હોય છે કે તેઓ જે કહે તેને સહુ આદેશ તરીકે માને પણ તેમની મોટી તકલીફ એવી હોય છે કે જયાં તેમની વાત આદેશ બનવી જોઇએ ત્યાં જ ટાંય ટાંય ફિસ્સ થઇ જાય છે અને એ જયાં તેમની વાત આદેશ નથી બની શકતી તે IAS અધિકારીઓ હોય છે. પેલા મંત્રીઓ પોતાના વિસ્તારમાં તો વચન આપી આવે કે ફલાણું કામ હવે અમે કરી નાંખીશું પણ પેલા IAS અધિકારી તેમનું સાંભળી લે અને કામ કરે એવું માનવું જરૂરી નથી. એ અધિકારીઓને ખબર હોય છે કે કયા મંત્રીની કઇ વાત આદેશ તરીકે માનવી. હમણાં રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ ત્યારે ધુંઆપુંઆ થઇ ગયા જયારે ઊર્જા નિગમનાં M.D શાહમીના હુસેને તેમની વાતને મચક જ ન આપી. પોતે ઊર્જા રાજયમંત્રી તો પણ મુકેશ પટેલની ઊર્જા ઓછી પડી. મંત્રી બન્યા પછી મંત્રીઓ એવું માનતા થઇ જતા હોય છે કે તેમની વાત બધા સાંભળે છે ને બધે પોતાનું ચાલે છે પણ આ IAS અધકારીઓને તો એવું કાંઇ હોતું નથી. જે મંત્રી પોતાના વિભાગને લગતા અધિકારીઓ પાસે શ્રેષ્ઠ કામ લઇ શકે તે શ્રેષ્ઠ. મુકેશ પટેલને સમજાતું નથી કે પોતે શ્રેષ્ઠ કે પછી…., ચાલો, જવા દો આ વાત!

સરકાર બહુ પારદર્શી થવા જાય તો નગ્ન થઇ જાય

પરીક્ષા અંગેનાં કૌભાંડો સરકારની પરીક્ષા લઇ રહ્યાં છે. જેટલાં વધારે કૌભાંડ થાય તેટલી વધુ વાર રાજયના મુખ્ય મંત્રી કહે છે કે અમે વધુ પારદર્શી બનીશું. અરે, ભૂપેન્દ્રભાઇ એવું ખોટું ખોટું કહેવું નહીં. સરકાર તો ઢંકાયેલી જ સારી. આ કૌભાંડો તેમને ઉઘાડી પાડે ત્યારે ખબર પડે કે પારદર્શિતાનું જોખમ લેવા જેવું નથી. જે સરકાર પોતાને વધારે ઢંકાયેલી રાખે એટલી જ સફળ ગણાય છે. પરીક્ષા અંગેનાં કૌભાંડો બહાર આવે એટલે શિક્ષણમંત્રી ચૂપ થઇ જાય છે કારણ કે આ તો તેમનું પેપર ફૂટી ગયા જેવી ઘટના હોય છે. જો કે શિક્ષણમંત્રી હવે બહુ પ્રતિક્રિયા નથી આપતા કારણ કે કૌભાંડ પછી કૌભાંડ બહાર જ આવ્યાં કરે તો તેમણે અંદર જ થવું સારું. પેલા યુવરાજસિંહ રાજયના ઊર્જા વિભાગમાં થયેલી વિવિધ ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરે છે ને સરકાર વિચારે છે કે કૌભાંડ તો નથી દબાવાનાં, તેને બહાર પાડનારાને દાબો. કોને દાબવું, કેવી રીતે દાબવું એ મંત્રીઓની પરીક્ષા હોય છે, જે તેમાં પાસ થાય તેને સરપાવ મળે છે. સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘણી કહે છે કે કસૂરવારોને રાજય સરકાર નહીં છોડે. અરે ભૈ, ખરી કસૂરવાર તો સ્વયં સરકાર છે. બોલો શું કરવું છે?

Most Popular

To Top