મુંબઇ: ફેમસ બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) તેના બોલિવૂડ (Bollywood) ડેબ્યૂની તૈયારી કરી રહ્યા છે. 2021માં રાજને પોર્નોગ્રાફીના (Pornography) કેસમાં જેલમાં જવું પડ્યું હતું. તે એક મહિનાથી વધુ સમય સુધી આર્થર રોડની જેલમાં રહ્યા હતા. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. હવે સમાચાર છે કે રાજ કુન્દ્રાના જીવનના આ અંધકારમય સમય પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં તેઓ પોતે લીડ રોલની ભૂમિકા ભજવતા જોવા મળશે.
મળતી માહિતી મુજબ રાજ કુન્દ્રા પોતાની ધરપકડ અને જેલમાં વિતાવેલો સમય ફિલ્મ દ્વારા પડદા પર લાવવાના છે. સૂત્રોએ કહ્યું કે રાજ કુન્દ્રાએ સૌથી વધુ ભીડવાળી જેલ, આર્થર રોડ જેલમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે તમામ મુશ્કેલીઓ ફિલ્મમાં બતાવવામાં આવશે. અત્યારે ડિરેક્ટરનું નામ છુપાવવામાં આવ્યું છે. પરંતુ રાજ કુન્દ્રા દરેક રીતે આ ફિલ્મમાં સામેલ થશે. જેમાં પ્રોડક્શનથી લઈને સ્ક્રિપ્ટ સુધીની તમામ બાબતો સામેલ હશે.
આ અંગે વધુ માહિતી અનુસાર આ ફિલ્મમાં રાજ કુન્દ્રાની આખી જર્ની બતાવવામાં આવશે. તેમના પર લાગેલા આરોપોના પહેલા સમાચારથી લઈને મીડિયા રિપોર્ટિંગ અને જેલમાં સમય વિતાવવો અને ઘરે પાછા આવવા સુધી બધું જ આ ફિલ્મમાં હશે. આ વાર્તા કુન્દ્રા અને તેના પરિવારના પરિપ્રેક્ષ્યમાંથી હશે. આ ફિલ્મ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
19 જુલાઈ 2021 ના રોજ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એડલ્ટ ફિલ્મો બનાવવાનો અને હોટશોટ્સ નામની એપ દ્વારા તેનું વિતરણ કરવાનો આરોપ હતો. આ પછી કેસમાં ઘણા અલગ-અલગ વળાંક આવ્યા અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. રાજ કુન્દ્રા 63 દિવસ જેલમાં રહ્યા. આ પછી તેને જામીન મળી ગયા અને તે ઘરે આવ્યો. ઘરે પરત ફર્યા બાદ રાજ પાપારાઝીને ટાળતો જોવા મળે છે. તેઓ મીડિયાને પોતાનો ચહેરો પણ બતાવવા માંગતા નથી. તેણે સોશિયલ મીડિયાથી પણ પોતાને દૂર કરી લીધા છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તેમના સંબંધો અને લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બંનેને બે બાળકો છે – એક પુત્ર વિયાન અને પુત્રી સમિષા. શિલ્પા અને રાજે વર્ષ 2020માં સરોગસીની મદદથી દીકરીનું સ્વાગત કર્યું હતું.