નવી દિલ્હી: પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી બોલિવુડની (Bollywood) ક્વીન (Queen) હવે રાજકારણમાં (Politics) પ્રવેશ કરવા જઈ રહી છે. કંગના રનૌત (KangaraRanaut) રાજનીતિના મેદાનમાં ઉતરવા તૈયાર છે. તે આગામી વર્ષે યોજાનારી લોકસભાની (LokSabha) ચૂંટણી (Election) લડશે. અભિનેત્રી કંગના રનૌત લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે હવે અભિનેત્રીના પિતાએ કંગનાના રાજકારણમાં પ્રવેશના સમાચારને કન્ફર્મ કર્યા છે.
કંગનાના પિતા અમરદીપ રનૌતે સ્પષ્ટ કર્યું છે કે અભિનેત્રી ચૂંટણી લડશે. આ સાથે જ અમરદીપ રનૌતે કહ્યું કે, તે માત્ર ભાજપની ટિકીટ પર જ ચૂંટણી લડશે. જોકે, કંગના કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી નથી. અમરદીપ રનૌતે કહ્યું કે, તે નિર્ણય પક્ષ લેશે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલાં ગુજરાત પ્રવાસ દરમિયાન દ્વારકામાં કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભગવાનની કૃપા રહેશે તો તે ચૂંટણી લડશે. ત્યાર બાદ કંગનાના રાજકારણમાં પ્રવેશ માટેની ચર્ચાનું બજાર ગરમ થયું હતું. દરમિયાન થોડા સમય પહેલાં કંગનાએ બિલાસપુરમાં આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી આ ચર્ચાઓને વધુ હવા આપી હતી.
કંગના જેપી નડ્ડાને મળી હતી
બે દિવસ પહેલાં અભિનેત્રીએ કુલ્લુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની મુલાકાત લીધી હતી. આ મુલાકા પછી કંગના ચૂંટણી લડશે તેવી ચર્ચા ઉઠી હતી. હવે કંગનાના પિતા અમરદીપ રનૌતે મીડિયામાં નિવેદન આપી એ કન્ફર્મ કર્યું છે કે તેમની દીકરી અભિનેત્રી કંગના રનૌત ચૂંટણી લડશે. તે માત્ર ભાજપની ટિકીટ પર જ ચૂંટણી લડશે.
અહીંથી ચૂંટણી લડે તેવી શક્યતા
એવી ચર્ચા છે કે કંગના રનૌત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ચંદીગઢ અથવા હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડી શકે છે. જોકે, હજુ કંઈ નક્કી નથી. પાર્ટી અંતિમ નિર્ણય લેશે. જણાવી દઈએ કે કંગના રનૌત હિમાચલ પ્રદેશના ભાંબલા ગામની વતની છે. તેણીએ થોડા વર્ષો પહેલાં મનાલીમાં પોતાનું એક ઘર બનાવ્યું છે. તેનો પરિવાર પણ મનાલીમાં જ રહે છે. કંગના અને તેનો સંપૂર્ણ પરિવાર ભાજપનો સમર્થક છે.