મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત તેના અભિનયની સાથે સાથે તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તે દરેક રાજકીય મુદ્દા પર તે પોતાનો અભિપ્રાય આપે છે અને તેના કારણે તે ઘણી વખત લોકોના નિશાના પર પણ આવી છે. આ પછી પણ જ્યારે પણ કંગનાને રાજનીતિમાં આવવા વિશે પૂછવામાં આવ્યું તો તે ના પાડી દેતી હતી. પરંતુ હવે કંગનાએ પોતાની રાજકીય સફરની શરૂઆતની જાહેરાત કરી છે. હા! ‘ધાકડ’ અભિનેત્રી કંગના રનૌતનું કહેવું છે કે જો પાર્ટી (Party) તેને ટિકિટ આપશે તો તે ચૂંટણી (Election) લડશે.
આ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકાય છે
હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા સામે આવેલા કંગના રનૌતના આ મોટા નિવેદને ભારે ખળભળાટ મચાવી દીધો છે. તેણીએ એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે જો ભાજપ ઇચ્છે તો તે હિમાચલ પ્રદેશની મંડીથી ચૂંટણી લડશે. તેણીએ કહ્યું કે જો જનતા ઇચ્છે છે અને પાર્ટી તેમને ટિકિટ આપે છે, તો તે ચૂંટણી લડશે. જો કે તેણે કેમ હિમાચલની પસંદગી કરી તે માટે એવી અટકળો ચાલી રહી છે કે કંગના રનૌત હિમાચલ પ્રદેશની છે તેથી તે ત્યાંથી લડવાની ઈચ્છા રાખે છે.
કંગના ચૂંટણી લડવા તૈયાર છે
કાર્યક્રમમાં કંગનાને પૂછવામાં આવ્યું કે શું તે રાજનીતિમાં જોડાવા અને જનતાની સેવા કરવા તૈયાર છે? તો તેણે કહ્યું, ‘ મારો એવો કોઈ ઈરાદો નથી. પરંતુ હિમાચલના લોકો ઈચ્છશે કે હું મંડીમાંથી ચૂંટણી લડું, તો હું ચોક્કસ પણે લડીશ. પરંતુ હું ઈચ્છું છું કે રાજકારણમાં વધુને વધુ લોકો આગળ આવે.
પીએમ મોદીને મહાન વ્યક્તિ કહ્યા
આ સાથે તેણે કહ્યું કે જો જનતા મને સેવા કરવાનો મોકો આપશે તો તે મારા માટે ભાગ્યની વાત હશે. પોતાના પરિવાર વિશે વાત કરતા કંગનાએ કહ્યું, “હું એક રાજકીય પરિવાર સાથે સંબંધ રાખું છું. પહેલા મારા પિતા કોંગ્રેસમાં માનતા હતા. પરંતુ 2014માં મોદીજીના આગમન બાદ પરિવર્તન આવ્યું. આજે મારો આખો પરિવાર મોદીજીની જય બોલે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમને ‘મહાન માણસ’ કહ્યા હતા.