નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) જગતમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. હજું 13 ફેબ્રુઆરીના રોજ ગુરુ દત્તના બહેન લલિતાજીનું નિધન થયું ત્યાં આજે વેલેન્ટાઈન ડેના રોજ ટીવીથી (TV) લઈ બોલિવુડ સુધી નામના મેળવનાર એકટર જાવેદખાન અમરોહીનું નિધન (Death) થયું છે. તેઓએ 50 વર્ષની ઉંમરે પોતાના અંતિમ શ્વાસ લીધા છે. જાવેદખાને ટીવી તેમજ બોલિવુડ બંને ક્ષેત્રે પોતાના કામની આગવી છાપ છોડી છે. જાણકારી મળી આવી છે કે તેઓએ 150 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પણ ખાસ તેઓ આમિર ખાનની ફિલ્મ લગાનમાં રામ સિંહનું પાત્ર નિભાવી ચર્ચામાં આવ્યાં હતા.
જાવેદ ખાન લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. તેમને સારવાર માટે સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે તેના બંને ફેફસા ફેલ થઈ ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર 14 ફેબ્રુઆરીએ સાંજે 7:30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં કરવામાં આવશે. પરંતુ આ દિગ્ગજ કલાકારના નિધનની જાણકારી સામે આવતા ફેન્સમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
જાવેદ ખાન અમરોહી બોલિવુડની ફિલ્મ અંદાજ અપના અપના તેમજ ચક દે ઈન્ડિયામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓએ ઈન્સટીટયુશન ઓફ મીડિયા આર્ટસમાં પણ એકિટંગ ફેકલ્ટીમાં કામ કર્યું છે. મુંબઈમાં જન્મેલા જાવેદ ખાન અમરોહીની નિધન અંગેની જાણકારી લગાન ફિલ્મના એકટર અખિલેંદ્ર મિશ્રાએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. અખિલેંદ્ર મિશ્રાએ જાવેદ ખાનનો એક ફોટો શેર કરી લખ્યું કે જાવેદ ખાન સાહેબને શ્રદ્ધાંજલિ. એક સરસ અભિનેતા, વરિષ્ઠ રંગકર્મી, ઈપ્ટાના સક્રિય સદસ્ય.
જાવેદ ખાન અમરોહીએ 1973માં આવેલી ફિલ્મ જલતે બદનથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘નૂરી’, ‘પસંદ અપની અપની’, ‘બાઝાર’, ‘રંગ બિરંગી’ જેવી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું. જાવેદ ખાન અમરોહીએ સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’ સહિત ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘વો સાત દિન’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘નખુદા’, ‘પ્રેમરોગ’ વગેરેમાં નાની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યો હતો.