Entertainment

નીતિન દેસાઈના અવસાનથી ઇન્ડસ્ટ્રી આઘાતમાં, અક્ષય કુમારે OMG 2નું ટ્રેલર રિલીઝ મોકૂફ રાખ્યું

મુંબઇ: નીતિન દેસાઈના (Nitin Desai) નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. નીતિને બુધવારે સવારે આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. તેમના મૃત્યુના સમાચારથી સિનેમા જગતમાં મૌન છવાઈ ગયું છે. તે જ સમયે તેમના મૃત્યુની બોલિવૂડ (Bollywood) અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) પર પણ ઊંડી અસર પડી છે. તેની ફિલ્મ OMG 2 નું ટ્રેલર (Trailer) આજે જ રિલીઝ થવાનું હતું, જે તેમણે મોકૂફ રાખ્યું છે.

અક્ષય કુમારે ટ્વીટ કરીને નીતિન દેસાઈના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને માહિતી આપી હતી કે તેઓ આજે OMG 2નું ટ્રેલર રિલીઝ કરવાના નથી. અક્ષયે લખ્યું- વિશ્વાસ નથી આવતો, નીતિન દેસાઈનું અવસાન થઈ ગયું એ જાણીને દુઃખી છું. તે પ્રોડક્શન ડિઝાઇનમાં દિગ્ગજ હતા અને આપણા સિનેમા જગતનો એક મોટો હિસ્સો હતો. તેમણે મારી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છએ. આ એક મોટી ખોટ છે. તેમના સમ્માનમાં અમે આજે OMG 2 નું ટ્રેલર રિલીઝ નથી કરી રહ્યા. આવતીકાલે સવારે 11 વાગ્યે ટ્રેલર રીલિઝ કરવામાં આવશે. ઓમ શાંતિ.

અક્ષય કુમારે જણાવ્યું કે હવે તેની ફિલ્મ OMG 2 નું ટ્રેલર બીજા દિવસે એટલે કે 3 ઓગસ્ટે સવારે 11 વાગ્યે રિલીઝ થશે. અક્ષયના આ નિર્ણયથી ફેન્સ પણ ઘણા ખુશ છે. બધાએ અભિનેતાને અભિનંદન પાઠવ્યા હતા અને નીતિન દેસાઈના નિધન પર શોક વ્યક્ત કરતાં અક્ષયને તેની ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી હતી. OMG 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર સની દેઓલની ગદર 2 સાથે થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ પણ લીડ રોલમાં હશે. આ એક વ્યંગાત્મક ફિલ્મ છે, જેના દ્વારા નિર્માતાઓએ સામાજિક મુદ્દા પર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

નીતિન દેસાઈની વાત કરીએ તો તેઓ તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નિતિને સવારે 4.30 વાગ્યે એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી હતી. તેમના મૃત્યુનું કારણ આર્થિક તંગી હોવાનું કહેવાય છે. ગત રાત્રે 10 વાગ્યે તે પોતાના રૂમમાં ગયા હતા. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યા ન હતા. ત્યારબાદ તેના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખટખટાવ્યો, પરંતુ દરવાજો ન ખૂલતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અહેવાલ છે કે નીતિન પર 180 કરોડની લોન હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને આ કારણે તેઓ મોતને ભેટ્યા હતા.

Most Popular

To Top