Entertainment

કેમ સની દેઓલની હીરોઇન દુપટ્ટાથી મોઢું છુપાવીને કોર્ટમાં પહોંચી?

રાંચી: આજકાલ બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) અમીષા પટેલ (Ameesha patel) ખૂબ ચર્ચામાં આવી રહી છે. જ્યાં એક તરફ તેમની આઇકોનિક ફિલ્મ ગદર: એક પ્રેમ કથાને લગભગ 20 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરીથી રીલિઝ કરવામાં આવી છે અને તેમની ગદર-2 પણ રીલિઝ થવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે અમીષા પટેલે રાંચીની (Ranchi) અદાલતમાં (Court) છેતરપિંડીના કેસમાં સરેન્ડર કર્યુ છે.

  • અમીષા પટેલ દુપટ્ટાથી મોઢું છુપાવીને કોર્ટ પહોંચી
  • વારંવાર સમન્સ છતાં કોર્ટમાં હાજરી આપી ન હતી
  • રાંચી કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ જારી કર્યુ

રાંચીની સિવિલ કોર્ટે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ સામે છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમાં વોરંટ જારી કર્યું છે. વોરન્ટ મળે તે પહેલા અમીષા પટેલે રાંચીની સિવિલ કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. તે આજે સવારે દુપટ્ટાથી ચહેરો છુપાવતીને કોર્ટમાં પહોંચી હતી. કોર્ટે અમીષાને 21મી જૂને ફરી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?
અમીષા પટેલે ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવા માટે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2013માં થયું હતું. પરંતુ આજ સુધી તે ફિલ્મ રિલિઝ થઈ નથી. આવી સ્થિતિમાં અજયે તેના પૈસા પરત માંગ્યા ત્યારે અમીષાએ તે પરત કર્યા નહીં. જો કે બાદમાં અભિનેત્રીએ બે ચેક એક 2.5 કરોડનો અને બીજો 50 લાખનો આપ્યો હતો. આ બંને ચેક બાઉન્સ થયા હતા. જેથી અજય સિંહએ સિવિલ કોર્ટમાં અમીષા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોર્ટ દ્વારા આ કેસમાં અમીષા વિરુદ્ધ અનેક સમન્સ ઈશ્યૂ કરાયા હતા પરંતુ અભિનેત્રી હાજર થઈ નહોતી. આખરે કોર્ટે વોરંટ ઈશ્યુ કરતા આજે અભિનેત્રી કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચી હતી.

અજય સિંહે અમીષા પટેલ પર કર્યા આ આક્ષેપ
પ્રોડ્યુસર અજય કુમાર સિંહ મૂળ ઝારખંડના છે. તેમણે દાવો કર્યો હતો કે અમીષા પટેલે ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવા માટે તેમની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. રૂપિયા લેતી વખતે અમીષાએ વાયદો કર્યો હતો કે ફિલ્મ પૂરી થશે ત્યારે તે તેને વ્યાજ સાથે રૂપિયા પરત કરી દેશે. પરંતુ ત્યાર બાદ એવું થયુ નહીં. જેથી અજય કુમારે ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધાકધમકીનો કેસ અમીષા વિરુદ્ધ દાખલ કર્યો હતો. એટલું જ નહીં અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર કુણાલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top