અજય દેવગનનો નિર્દેશક બનવાનો ઉત્સાહ વધી ગયો છે. તેની નિર્દેશક તરીકેની ત્રીજી ફિલ્મ ‘રનવે 34’ ને બોક્સઓફિસ પર સફળતા મળી ન હતી. પરંતુ તેના અભિનય સાથે નિર્દેશનના વખાણ થયા હતા અને ફિલ્મ જ્યારે OTT પર રજૂ થઇ ત્યારે તેને નિર્દેશન માટે સારો પ્રતિભાવ મળ્યો હતો. એ પછી અજયને ફરીથી નિર્દેશક બનવાની ઇચ્છા થઇ છે અને નવી ફિલ્મ ‘ભોલા’ નું નિર્દેશન જાતે કરવાની જાહેરાત કરી દીધી છે. ગયા એપ્રિલ માસમાં અજયે સુપરહિટ એક્શન ડ્રામા તમિલ ફિલ્મ ‘ભોલા’ ની હિન્દી રીમેક ધર્મેન્દ્ર શર્માના નિર્દેશનમાં બનાવવાની અને 30મી માર્ચે રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ તમિલ ફિલ્મ વળી તેલુગુમાં ‘કૈથી’ નામથી બની ચૂકી છે. હવે રીમેકનું નિર્દેશન અજય જાતે જ કરવાનો છે. મૂળ ફિલ્મની વાર્તા એટલી જબરદસ્ત છે કે કોઇ પણ એને હિન્દીમાં બનાવવા ઉત્સુક હોય એ સ્વાભાવિક હતું. તમિલ ફિલ્મને એ કારણે જ હિન્દીમાં ડબ કરવાનું ટાળવામાં આવ્યું હતું. અજય ‘ભોલા’ ને એક્શનમાં આંતરરષ્ટ્રીય સ્તરની બનાવવાનું આયોજન કરી રહ્યો છે. બોલિવૂડને રીમેકના ચક્કરમાં દક્ષિણના નિર્માતા- નિર્દેશકો પોતાની કમાણી માટે પાડી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. દક્ષિણના નિર્માતાઓએ વારંવાર બીજી ભાષાઓ માટે રાઇટ્સ વેચીને વધુ કમાણી કરવાનો એક ધંધો શોધી કાઢ્યો છે. વાર્તા અને નિર્દેશક એ જ રહે છે. આ પ્રકારની રીમેકથી બોલિવૂડના સ્ટાર પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છે કેમ કે એમણે દક્ષિણની એ ફિલ્મના દ્રશ્યોની નકલ જ કરવાની હોય છે. પોતાના તરફથી નવું કંઇ થઇ શકતું નથી. માત્ર કલાકારો જ બદલાય છે. બોલિવૂડ દક્ષિણની રીમેક બનાવીને એના પર આધારિત બની ગયું છે.
એ ત્યાં સુધી કે નવું નામ પણ આપતા નથી. બીજી તરફ દક્ષિણની ફિલ્મો બોલિવૂડને પછાડી રહી છે. દક્ષિણની ફિલ્મોની વાર્તા અને નિર્દેશન ચુસ્ત હોવાથી દર્શકો એને વધુ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ ‘ભોલા’ નો ક્લાઇમેક્સ બહુ ખતરનાક હોવાનું કહેવાય છે. પણ જેણે તમિલ કે તેલુગુ ફિલ્મ જોઇ છે એ હિન્દી રીમેક જોવા તૈયાર થશે નહીં. ફિલ્મમાં ફરી એક વખત અજય સાથે તબુ કામ કરી રહી છે. એમની જોડી દર્શકોને આકર્ષી શકે છે કે નહીં એ જોવાનું રહેશે.
દક્ષિણની ફિલ્મોની રીમેકથી બોલિવૂડના કલાકારોને નુકસાન છે?!
By
Posted on