Entertainment

બોલિવુડમાં વધુ એક (ક)પૂર રણબીર-આલિયાનું સંતાન

જે અભિનેત્રીઓ સૌથી વધુ વ્યસ્ત હોય તે વહેલા પરણવાનું સાહસ નથી કરતી અને જો કરે તો વહેલા મા બનવું પસંદ કરતી નથી. આલિયા અત્યંત વ્યસ્ત અભિનેત્રી છે અને પરણી ગઈ છે. હજુ ગઈ 14 એપ્રિલે જ તે પરણી અને લગ્નના ત્રીજા મહિને તો તેના ગર્ભવતી હોવાના સમાચાર છે. તેણે આ સમાચાર જાહેર કર્યા ત્યારે તે લંડનમાં કરણ જોહર, સારા અલી ખાન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે હતી. ત્યાં તે તેની પ્રથમ હોલિવુડ ફિલ્મના શૂટિંગ માટે રોકાયેલી છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર સ્પેશિયલ પોસ્ટ લખી વાત જાહેર કરી અને સાથે ફોટોગ્રાફ પણ મુક્યો, જેમાં તે રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં છે. રણબીર ‘શમશેરા’ રજૂ થવામાં છે તે પહેલા આ સમાચાર છે.

બંને સાથે હોય તેવી પહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રજૂ થશે. આલિયાની કરણ જોહર નિર્મિત ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ તો આવતા વર્ષે 10 ફેબ્રુઆરીએ રજૂ થવાની છે. રણવીરસિંઘ સાથેની આ ફિલ્મનું શૂટિંગ આલિયા પૂરું કરી લેશે. ‘ડાર્લિંગ્સ’ ફિલ્મ તેણે શાહરૂખખાન સાથે નિર્મિત કરી છે. જેમાં શેફાલી શાહ, રોશન મેથ્યુ વગેરે છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં તે બનાવવાની જાહેરાત થયેલી અને તે અત્યારે તો લગભગ પૂરી થવામાં છે. એવું કહી શકાય કે આલિયા તેની જિંદગીમાં આ 2022 નહીં ભુલશે. રણબીર સાથે લગ્ન, ગર્ભવતી થવું અને પોતાના નિર્માણ હેઠળની ફિલ્મ રજૂ થવી.

આલિયાની દરેક ફિલ્મો અત્યંત મહત્વની છે અને તેમાં પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ સાથેની ‘જી લે ઝરા’ પણ છે, જેનું દિગ્દર્શન ફરહાન અખ્તર કરે છે. આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ – ઓગસ્ટથી શરૂ થવાનું હતું, પણ હવે તે 2023માં શરૂ થશે. કારણમાં આલિયા નથી. બલ્કે પ્રિયંકા ચોપરાની તારીખ મળે તેના પર છે. ફરહાન અખ્તરે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી, ત્યારે પ્રિયંકા જ પરણીત હતી અને હવે તેની ત્રણે ત્રણ અભિનેત્રીઓ પરણીત છે. આજકાલ અભિનેત્રીઓ પરણી જાય છે પણ જલ્દી મા નથી બનતી. દિપીકા પાદુકોણ રણવીર સિંઘને 2018માં પરણેલી. એટલે કે સાડા ત્રણ વર્ષ થઈ ગયા પણ હજુ મા નથી બની.

આલિયા તો 29 વર્ષની જ છે, જ્યારે દિપીકા 36 વર્ષની છે. બિપાશા બાસુ તો કરણસીંઘ ગ્રોવરને 2016માં પરણી છે, પણ હજુ મા નથી બની. જો કે હમણાં તેના ગર્ભવતી હોવાના સમાચાર જરૂર ઉડ્યા હતા. વિદ્યા બાલન 2012માં સિદ્ધાર્થ રોય કપૂરને પરણી છે અને હજુ તેને બાળક નથી. તે 43 વર્ષની છે. આમ તો કેટરીના કૈફ પણ ગયા વર્ષે 9 ડિસેમ્બર વિકી કૌશલ સાથે પરણી છે, પણ તે ગર્ભવતી હોવાના સમાચાર નથી. બાકી તે પણ આવતા મહિને 39 વર્ષની થશે. ફિલ્મ જગતમાં પુરુષો પરણે પણ તેમને પિતા થવા વિશે ચિંતા નથી હોતી, કારણ કે તેમનું તો કશું અટકતું નથી. શૂટિંગ ચાલુ રહે છે. અભિનેત્રીઓએ જ 100 વાર વિચાર કરવો પડે છે.

આલિયા સાથેના લગ્ન પછી રણબીર ખૂબ બદલાયો છે. આ એક બહુ સારુ વલણ કહેવાય. આમ બનવાનું કારણ જો કે આલિયા પણ છે. તે એક મેચ્યોર સ્ત્રી છે અને દેખાય નહીં પણ ગંભીરતાથી જીવવાનું સમજે છે. રણબીર સાથે ત્રણેક વર્ષના પ્રેમસંબંધ પછી તે પરણી છે અને એ દરમ્યાન તેણે ભાવિ સાસુ નીતુસીંઘનો વિશ્વાસ જીત્યો હતો. રિશી કપૂરના અવસાન વખતે તે કપૂર કુટુંબમાં રહી હતી. નીતુ કપૂર એવી પુત્રવધુ ઈચ્છતી હતી જે કપૂર કુટુંબની પરંપરાને સમજતી હોય. એ કુટુંબમાં વારેવારે પુર્નલગ્ન નથી થતા.

આગલી પેઢીમાં એક શમ્મીકપૂરે જ બીજીવાર લગ્ન કરવા પડેલા. બાકી રાજકપૂર, શશીકપૂર, રણબીર કપૂર, રિશીકપૂર 2 વાર પરણ્યા નથી. આમ જુઓ તો કરીના કે કરિશ્મા ય બે વાર પરણી નથી. પ્રેમના કિસ્સાઓ અલગ છે અને તે તો હોય. આલિયા હમણાં નવી ફિલ્મો લેશે નહીં, બાકી ‘બૈજુ બાવરા’ની પણ તૈયારી ચાલે છે પણ તેનું કામ હવે દોઢેક વર્ષ પછી શરૂ થશે. ‘જિલ્લાસમેન ટ્રિનીટી 2.5 : પાસપોર્ટ’ નામની ફિલ્મ પણ છે, પરંતુ તેનું શૂટિંગ પણ અટકશે. આલિયા કાંઈ તરત તો શૂટિંગ બધ કરવાની નથી. એટલે થોડા મહિના એકદમ વ્યસ્ત રહી જે તે ફિલ્મોના શૂટિંગ પૂરા કરશે અને પછી કપૂર ખાનદાનનું સંતાન આવશે. •

Most Popular

To Top