રીચા ચઢ્ઢાએ હમણાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ વેબ શો માટે અજય દેવગણનો આભાર માન્યો છે. અજય આ સિરીઝનો નિર્માતા છે. રિચા કહે છે કે ઈન્ટરનેટ હવે ગ્લોબલ વિલેજ છે એટલે ગમે ત્યાંથી આ વેબ શો માણી શકે છે. અજય દેવગણમાં આ સમજી શકવાની દૃષ્ટિ છે. અલી ફઝલને‘ફુકરે-3’ના શૂટિંગ દરમ્યાન માર્ચમાં પરણવા ઉત્સુક રિચા અત્યારે એક નહીં બબ્બે વેબસિરીઝમાં કામ કરી રહી છે.‘ફૂકરે’શ્રેણીની ફિલ્મોથી પ્રેક્ષકોમાં લોકપ્રિય રિચામાં જે બોલ્ડનેસ છે તેમાં એક ઈન્ટેલેક્ચ્યુલ એટિટયૂટ પણ છે ને સમાજ પર પ્રહાર પણ કરે છે. માત્ર શરીર દેખાડવા તે શરીર દેખાડતી નથી. વિષયની દૃષ્ટિએ જુદી ફિલ્મોમાં તે નિખરી ઊઠે છે. એટલે જ ગેંગ્સ ઓફ વાસેપૂર’માં પણ તે જામી હતી. એ ભૂમિકાએ તેને ફિલ્મફેર એવોર્ડ અપાવેલો.‘મસાન’માં પણ તેણે પ્રેક્ષકોને ચમકાવી દીધેલા.
રિચાને જે વેબસિરીઝ મળે છે તે તેની ખાસ ઈમેજ અને ટેલેન્ટને આધારે મળે છે.‘ઈન્સાઈડ એજ’,‘વન મિકસ્ટેન્ડ’, ‘કેન્ડી’નાં તેનાં પાત્રો જોતાં ખ્યાલ આવશે કે તે વેબસિરીઝમાં પણ એક ખાસ ઈમેજ સાથે કામ કરે છે. તેને એવું નથી કે મારે ફિલ્મોમાં જ કામ કરવું છે. તે સારાં પાત્રો જોઈ ફિલ્મ કે વેબસિરીઝ પસંદ કરે છે.હા, તેને બોલ્ડ પાત્રો વધારે પડતાં મળે છે એટલે‘કેબ્રે’,‘શકીલા’,‘લાહોર કોન્ફિડેન્શિઅલ’ જેવી ફિલ્મો મળી હતી. દરેક એકટ્રેસ પોતાની એક બ્રાન્ડ ઊભી કરવા ચાહે છે ને રિચાની આ બ્રાન્ડ ઈમેજ છે. હમણાં‘અભી તો પાર્ટી શુરુ હુઈ હે’ માં તે કામ કરી રહી છે. તે સહઅભિનેત્રીમાંથી ધીરે ધીરે મુખ્ય અભિનેત્રી બની છે. બાકી, તે કાંઈ એવી બ્યુટીફૂલ નથી. તમે તેને નવી પેઢીની એકટ્રેસ કહી શકો અને તેણે નવો પ્રેક્ષક પણ ઊભો કર્યો છે.
પંજાબી પિતા અને બિહારી માની આ દીકરી ખાલિસ્તાનની ચળવળ જોરમાં હતી ત્યારે 1986 માં જન્મી છે. તેના પિતા યુનિવર્સિટીમાં રિડર હતા. તે મા દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવતી હતી. તેની બૌધ્ધિકતા મા-પિતામાંથી આવેલી છે. મા-પિતા ઈચ્છતા હતા કે તેમની આ દીકરી ટી.વી. પત્રકાર બને પણ રિચા અભિનય તરફ વળી.આજે તે ખાસ જગ્યાએ ઊભી છે. તેણે એક વાર કહેલું કે કોઈ અભિનેતાના પ્રેમમાં પડવા માંગતી નથી પણ હવે અલી ફઝલને પરણવાની છે. જો કે સોફિયા હોસ્ટેલમાં રહી ભણતી ત્યારે પોતાનાથી મોટી ઉંમરના ડોક્ટરના પ્રેમમાં પડેલી અને એ સંબંધ ત્રણ વર્ષ રહેલો, પણ પોતે એક્ટ્રેસ હોવાથી જ એ સંબંધ લાંબો ન ચાલ્યો. અભિનેત્રીના પ્રેમી બનનારે ધીરજ રાખવી જરૂરી હોય છે. પણ તેને અભિનેતા સાથે ય પ્રેમ કરવો નહોતો જ કારણ કે તેમનો ઈગો મોટો હોય છે. પણ હવે તો તે પરણી જશે.મુંબઈમાં સમુદ્ર સામે જ રિચાને અલીએ ફલેટ લીધો છે. તેઓ 2020 માં પરણવાના હતા પણ કોરોનાને કારણે લગ્ન લંબાતા ગયા. હવે તેઓ એક થશે. બબ્બે સિરીઝ ચાલતી હોય ત્યારે પરણવાની મઝા જૂદી હોય છે.