આણંદ : આણંદ જિલ્લામાં બોગસ દસ્તાવેજ આધારે વિદેશ મોકલવાનું વધુ એક કૌભાંડ પકડાયું છે. આ વખતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ચાંગા ગામે આવેલા લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાં દરોડો પાડી ત્રણ શખસને પકડી પાડ્યાં હતાં. આ દરોડામાં પોલીસે સરકારી શૈક્ષણિક સંસ્થાના બોગસ સર્ટીફિકેટ, પાસબુક, ચેકબુક, પાસપોર્ટ સહિતના દસ્તાવેજો કબજે કર્યાં હતાં. આ અંગે કુલ ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બાતમી આધારે ચાંગા ગામના લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નં.2માં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દુકાનની અંદર એક શખસ હાજર મળી આવ્યો હતો.
તેની અટક કરી પુછપરછ કરતાં તે રોનક હિમાંશુ પટેલ (રહે. નરસંડા) હોવાનું જણાવ્યું હતું અને પોતે અત્રે વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વીઝા અંગેનું કામ કરતાં હોવાનું જણાવ્યું હતું. ઓફિસના ટેબલ પર ઘણા બધા લીલા કલરના કવરોમાં કાગળો પડેલા મળી આવ્યાં હતાં. જે જોતા તેમાં વિદેશ જવા માંગતા અલગ અલગ ગ્રાહકોના સર્ટીફિકેટ, દસ્તાવેજી કાગળો હોવાનું જણાવ્યું હતું.
જે ખોલી જોતા તેમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. આ તમામ દસ્તાવેજની ખરાઇ કરતા અલગ અલગ શૈક્ષણિક સંસ્થાના સર્ટીફિકેટ બોગસ હોવાનું ખુલ્યું હતું. આ શૈક્ષણિક દસ્તાવેજો પોતે જરૂરીયાત મુજબ આણંદના અખંડ આનંદ સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર પટેલ થકી વડોદરાના નિશીત (રહે. સન એન્કલેવ, કારેલી બાગ, વડોદરા) પાસેથી મેળવતો હોવાનું તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સર્ટીફિકેટ અલગ અલગ રૂપિયાથી બનાવડાવેલા હોવાનું બહાર આવ્યું હતું. રોનક પટેલની પુછપરછમાં આ સરકારી શૈક્ષણિક સંસ્થાના દસ્તાવેજોને અનુક્રમે માર્ક એથી ક્યુ સુધીના અલગ અલગ માર્ક આપવામાં આવ્યાં હતાં.
આ મામલે ગંભીરતાથી લઇ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓફિસમાં ઝડતી લેતા મુકેશકુમાર રતનલાલ તેલી (રહે. ઉંદેલ, તા. ખંભાત)ની પાસ બુક, ચેકબુક, એટીએમ મળી આવ્યું હતું. આ ઉપરાંત અર્પિતકુમાર જગદીશભાઈ પટેલ (રહે. હિનલ પાર્ક સોસાયટી, સુરત)નો પાસપોર્ટ, કૃનાલ જીતેન્દ્ર પટેલ (રહે. ભૈરવનાથ નગર, રાયગઢ, મહારાષ્ટ્ર)ના યુકેના સ્ટુડન્ટ વિઝા મળી આવ્યાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના સર્ટીફિકેટ મળી આવ્યાં હતાં. આથી, પોલીસે કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઇલ સહિત 85 હજારનો મુદ્દામાલ કબજે કરી રોનક હિમાંશુ પટેલ (રહે.નરસંડા), દેવેન્દ્ર પટેલ (રહે.અખંડ આનંદ સોસાયટી, આણંદ) અને નિશીત (રહે.સન એન્કલેવ, કારેલીબાગ, વડોદરા) સામે ગુનો નોંધી દેવેન્દ્ર અને નિશીતની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. અલબત્ત, આ કેસમાં મોટા માથાને બચાવવા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મહારાષ્ટ્રના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના સર્ટીફિકેટ મળી આવ્યાં
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની તપાસ દરમિયાન રોનક પાસેથી મળી આવેલા સર્ટીફિકેટમાં સૌથી વધુ યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી, નાસિકના સર્ટીફિકેટ વધુ મળી આવ્યાં છે. આ ઉપરાંત તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ, પુણે, લીટર ફ્લાવર હાઈસ્કૂલ, થાણે, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ, પુણેના સર્ટીફિકેટ મળ્યાં છે. આથી, પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
બે મહિના પહેલા જ દુકાન ભાડે રાખી વિઝા કન્સલ્ટીંગનું કામ શરૂ કર્યું હતું
રોનક પટેલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, લોટસ પ્રાઇમ નામના કોમ્પ્લેક્સની દુકાન નં.2 છેલ્લા બે મહિનાથી ભાડે રાખી વિઝા કન્સલ્ટીંગનું કામકાજ શરૂ કર્યું હતું. ગ્રાહકો આવે તેઓને સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ મોકલવા તેઓને બનાવટી સરકારી શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ તેમજ અલગ અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ જરૂરિયાત મુજબ બનાવડાવી તેનો સાચા સરકારી દસ્તાવેજો તરીકે ઉપયોગ કરવા દેવેન્દ્ર પટેલ, નિશીત સાથે મળી ઠગાઇ કરતાં હતાં.
ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં
ચાંગામાં રોનક પટેલ સહિતની ગેંગે બોગસ શૈક્ષણિક દસ્તાવેજો બનાવી વિદેશ મોકલવાનો ધિકતો ધંધો શરૂ કરી દીધો હતો. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના દરોડામાં સો ઉપરાંત બોગસ દસ્તાવેજ મળ્યાં છે. આથી, આ ત્રણેય શખસે અનેક લોકોને પોતાના વ્યવસાય થકી બાટલીમાં ઉતારી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું અનુમાન છે.. હાલ તો પોલીસ જે લોકોના અસલ દસ્તાવેજ મળ્યા છે, તેમના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.