વોહી રફતાર… ખ્યાતિ કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ કુંભકરણની નિદ્રા તોડી સફાળુ જાગ્યુ. દરેક તાલુકા જિલ્લા અને ગામડામાં રોકેટ ગતિએ અભિયાન ચાલ્યું. ઘણા બોગસ તબીબો વર્ષોથી દર્દીનાં આરોગ્ય સાથે ખીલવાડ કરતા હતા તે પકડાયા. ઘણા ભુગર્ભમાં પોતાના બોર્ડ ઉતારી ગાયબ થઈ ગયા. અત્યારે આરોગ્ય વિભાગની નબળી કાર્યવાહીથી આ બોગસ ડોક્ટર ફરી પોતાની હાટડી ખોલી દવાખાના ધમધમાવી રહ્યા છે. એ આમ જનતા જોઈ રહી છે. બોગસ તબીબ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ફરી હાટડી વધુ પ્રમાણમાં ચાલુ થશે. આશા રાખીયે આરોગ્ય બાબતે ખીલવાડ કરતા તબીબો સામે કડક કાર્વાહી રહી શિક્ષાત્મક પગલા લેવામાં આવે.
બારડોલી – એક જાગૃત નાગરીક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જ્ઞાન પ્રાપ્તિ માટે અનુવાદિત પુસ્તકોનું વિશેષ મહત્ત્વ
કોઈપણ ભાષામાં લખાયેલું પુસ્તક ફક્ત તે ભાષાના જાણકાર જ વાંચી અને સમજી શકે છે, પરંતુ તે પુસ્તકનો અન્ય ભાષાઓમાં અનુવાદ થાય ત્યારે પુસ્તકની મૂળ ભાષા ન જાણનાર પણ તે વાંચીને તેનું જ્ઞાન મેળવી શકે છે. વેદો, પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા જેવા મૂળ ભાષામાં લખાયેલા ગ્રંથો અને પુસ્તકોનું જ્ઞાન દુનિયાની ઘણીબધી ભાષાઓમાં અનુવાદિત થવાથી જ તેનો પ્રચાર વધ્યો છે.
રવીન્દ્રનાથ ટાગોર, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા બંગાળી લેખકોની શ્રેષ્ઠ કૃતિઓના થયેલા અનુવાદના કારણે બંગાળી સિવાયના વાચકો પણ આવી કૃતિઓનો લાભ લઈ શક્યા છે. કુરાન અને બાઈબલના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ મૂળ ગુજરાતીમાં લખાયેલ છે તેના પણ વિવિધ ભાષાઓમાં અનુવાદ થયેલ છે. કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ નવલકથાનું હિન્દીમાં અનુવાદ થયેલ છે. આશા રાખીએ કે અનુવાદની પ્રવૃત્તિમાં લોકો વધુ રસ લે અન્ય ભાષાઓની ઉત્કૃષ્ટ અનુવાદિત કૃતિઓના વાંચનનો વધુમાં વધુ વાચકો લાભ લઈ શકે.
સુરત- પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
