આણંદ : બોરસદના દાવોલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ગામમાં બોગસ ડોક્ટરે ટ્રસ્ટની આડમાં દવાખાનું શરૂ કરી દીધું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બાબતની ગંધ એસઓજીને આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આરોગ્ય વિભાગના ડોક્ટર નજીકમાં જ હોવા છતાં તેઓને કોઇ જ બાબતની જાણ ન હતી. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. સોઢાને બાતમી મળી હતી કે, દાવોલ ગ્રામ પંચાયત નજીક સત્તા વ્હોરા નામનો શખસ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમી આધારે એસઓજીએ ખાસ ટીમ બનાવી હતી અને દાવોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડો. આલોક મીનાને સાથે રાખી 24મી એપ્રિલના રોજ દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં દાવોલ ગ્રામ પંચાયત નજીક બજારમાં દવાખાનું જોવા મળ્યું હતું. જ્યાં ગુજરાત સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું બોર્ડ લગાડેલું હતું. આથી, ટીમે અંદર જઇ જોતા એક શખસ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે સત્તાર કરીમ વ્હોરા (રહે. દાવોલ, સિકોતર માતાની ખડકી, તા. બોરસદ) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે ડોક્ટર હોવા અંગેનો કોઇ સર્ટી કે પ્રમાણપત્ર હોય તો રજુ કરવા જણાવ્યું હતું. પરંતુ તે કોઇ સર્ટી કે પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું. તેના ટેબલ પર સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન પડ્યું હતું. આથી, પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.11,290નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડો. આલોક મીનાની ફરિયાદ આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે સત્તાર કરીમ વ્હોરા (રહે.દાવોલ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.