Vadodara

હાલોલના શિવરાજપુરથી બોગસ ડોકટર ગીરીશ પટેલ ઝડપાયો

ગોધરા: પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકાના શિવરાજપુર ગામે વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી મુન્નાભાઈ એમબીબીએસને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.ગિરીશ પટેલ નામના આ નકલી ડોકટરને પકડી દવાઓ,આરોગ્ય સામગ્રી સહિતનો 2.47 લાખના મૂદ્દામાલ જપ્ત કરીને પાવાગઢ પોલીસને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે પાછલા કેટલાક સમયથી કોઈ પણ ડીગ્રી કે પરવાના વગર ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલ નામનો ઇસમ તબીબી પ્રેકટીસ કરતો હોવાનુ પી.એસ.સી સેન્ટરના ઇન્ચાર્જ ડો.જે.આર.પારગીને થતા તેમને એસઓજી પોલીસને સાથે રાખીને છાપો માર્યો હતો. ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલ પાસે ડીગ્રી સહિત જરુરી પરવાનો માંગતા તે મળી આવ્યા ન હતા.પોતાના ક્લિનિકમાં કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત વગર ગેરકાયદેસર રીતે તબીબ પ્રેક્ટિસ કરતા તેમજ પોતાના કબ્જામાં લાઈસન્સ વગર દવાખાનામાં એલોપેથીક દવાઓ તથા ઇન્સ્યુમેન્ટ સહિત રૂ.૨.૪૭ લાખના મુદ્દામાલ સાથે તેમની અટકાયત કરાઈ હતી.

આ મામલે પી.એચ.સી. સેન્ટર શીવરાજપુરના ઇન્ચાર્જ ર્ડા.જે આર પારગીએ પાવાગઢ પોલીસ મથકે ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલ વિરૂધ્ધ મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30 મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. નોધનીય છેકે પંચમહાલમા બે દિવસ પહેલા કાલોલ તાલૂકાના એરાલ ગામમાંથી પશ્વિમ બંગાળના ઉજ્જવલ હલદર,અને શરનંદુ હલદર નામના બે નકલી ડોકટરોને ઝડપી પાડ્યા હતા.

આ બે નકલી ડોકટરો પકડાવાની શાહી સૂકાઇ નથી. ત્યારે શિવરાજપૂરમાં આ નકલી ડોકટરો ઝડપાતા આવા જીલ્લામાં કેટલા નકલી ડોકટરો ડીગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠા છે. તે બાબતે તંત્ર તપાસ હાથ ધરે તે જરૂરી છે. વધુમા ડોકટરોની ડીગ્રી તપાસ કરવામા આવે તે જરુરી છે. હાલમા કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની ભોળી જનતાને છેતરીને આર્થિક નફો રળી રહ્યા છે. તેટલુ જ નહી પણ તેમની દવાઓથી દર્દીઓને કઇ થાય તો જવાબદાર કોણ વગેરે સવાલો ઉભા થાય છે.

Most Popular

To Top