Dakshin Gujarat

ઝરવાણી ધોધમાં ડૂબી ગયેલા બીજા યુવાનની પથ્થરોની વચ્ચેથી લાશ મળી

રાજપીપળા: કેવડિયા SOU પાસે આવેલા ઝરવાણી ધોધમાં નાહવા પડેલા વડોદરાના બે યુવાન ડૂબી જતાં શોધખોળના અંતે બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લામાં દિવાળી પર્વને લઈ પ્રવાસન સ્થળો ઉપર મોટાં શહેરોમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યા વધે છે અને ગતરોજ વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર મિત્રો ફરવા આવ્યા હતા અને ઝરવાણી ધોધ પર ગયા, ત્યાં બે મિત્રો સ્નાન કરવા જતાં બંને ડૂબી ગયા બાદ NDRF ટીમે એક મૃતદેહ ગઇકાલે શોધી કાઢ્યા બાદ બીજા યુવાનની શોધખોળ ચાલુ રાખી હતી. બુધવારે સવારે બીજા યુવાનનો મૃતદેહ પણ મળ્યો હતો.

હાલ કામધેનુ સોસાયાટી અણખોલ વાઘોડિયા રોડ, તા.વાઘોડિયા, જિ.વડોદરા રહેતા મૂળ આંધ્રપ્રદેશના લોકેશ વીરનાગ ચિંતારવે પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તથા તેમના મિત્રો ઝરવાણી ધોધ ખાતે નાહવા માટે આવ્યા હતા. ધોધના પાણીમાં નાહવા પડતાં ધોધના ઊંડા પાણીમાં ડૂબી જવાથી રવિતેજા હરિબાબુ રંભા (ઉં.વ.૧૯) ધોધના ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. તેના મૃતદેહને NDRF ટીમે બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય ડૂબેલા એક મિત્ર રવિપાટી લોહિતકુમાર (ઉં.વ.૧૯) લાપતા હોવાથી બચાવ ટુકડીઓ તેની શોધખોળ કરી રહી હતી, જેમાં રવિપાટીનો મૃતદેહ બુધવારે સવારે મળી આવતાં બંનેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.

જાણવા મળ્યા મુજબ એક યુવાનનો મૃતદેહ ગઇકાલે જ્યાંથી મળ્યો હતો ત્યાં નજીકમાં જ બીજાનો મૃતદેહ હતો. પરંતુ જ્યાં ધોધના પાણીનો પ્રવાહ પડતો હતો તેની નીચે બે પથ્થર વચ્ચે બીજા યુવાનનો મૃતદેહ ફસાઈ જતાં બચાવ ટુકડીએ ઘણી જહેમત કરી આજે શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. કેવડિયા સલામતી પો.સ્ટે.માં આ બાબતે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરી છે.

Most Popular

To Top