સુરત: સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાંથી પોલીસને એક લાશ મળી આવી છે. આ લાશ રત્નકલાકારની હોવાનું સામે આવ્યું છે. આ રત્નકલાકાર છેલ્લાં 24 કલાકથી ગૂમ હતો. રત્નકલાકારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રત્નકલાકારના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. રત્નકલાકારની લાશ તળાવમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
- પુણાના લેક ગાર્ડનના તળાવમાંથી લાશ મળી
- પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
- દોરડું બાંધી તળાવમાંથી લાશને બહાર કઢાઈ
- મૃતકની ઓળખ રત્નકલાકાર હોવાનું સામે આવ્યું
- મૃતક સુરેશ રાઠોડની ઓળખ તેના બે નાના ભાઈએ કરી
- પોલીસ હાલ આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે પૂણા પોલીસ અને ફાયર બ્રિગેડને એક કોલ આવ્યો હતો. પૂણા ગામના રહીશોએ અહીંના લેકગાર્ડનમાં આવેલા તળાવમાં એક લાશ જોયા બાદ પોલીસને ફોન કર્યો હતો. કોલ આવતા જ પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો લેકગાર્ડનમાં ભેગા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડે દોરડાની મદદથી લાશ બહાર કાઢી હતી. ત્યાર બાદ મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસ થયા હતા જેમાં એવું બહાર આવ્યું હતું કે 24 કલાક પહેલાં ગુમ થયેલા રત્નકલાકારનો આ મૃતદેહ છે.
રત્નકલાકારનું નામ સુરેશ રાઠોડ હતું. પૂણા પોલીસ સ્ટેશનમાં રત્નકલાકાર સુરેશ રાઠોડના ગુમ થયાની ફરિયાદ ગઈકાલે મંગળવારે જ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી, તેથી પૂણા પોલીસે સુરેશ રાઠોડના પરિવારને બોલાવ્યા હતા. મૃતદેહ સુરેશ રાઠોડનો જ હોવાની ઓળખ તેના બે નાના ભાઈઓએ કરી હતી. ઓળખ થયા બાદ સુરેશ રાઠોડના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે રત્નકલાકાર સુરેશ રાઠોડે જાતે જ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પૂણાના લેકગાર્ડનમાં તળાવને રિ ડેવલપ કરી ત્રણ વર્ષ પહેલાં જ પાલિકા દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.