National

બિહારમાં 3 વર્ષની બાળકીનો મૃતદેહ સુટકેસમાં મળ્યો, માતા પણ ગુમ

નવી દિલ્હી: બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં શનિવારે ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે બાળકીને તેના જ ઘરની પાછળ સુટકેસમાં (Suitcase) પેક કરી ફેંકી દેવામાં આવી હતી. જેથી પોલીસને શંકા છે કે બાળકીની માતાએ જ બાળકીની હત્યા કરી છે અને તે ફરાર થઈ ગઈ છે.

મામલો મુઝફ્ફરપુરના મિથાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસને શંકા હતી કે બાળકીની માતા કાજલે જ પોતાની દિકરીની હત્યા કરી હતી અને તે બાળકીનો મૃતદેહ પોતાના જ ઘરની પાછળ ફેંકી ફરાર થઈ ગઈ છે. હાલ પોલીસ કાજલને શોધી રહી છે. આ સાથે જ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે રામપુર હરી સીતામઢી રોડથી કાજલનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો. હવે પોલીસ મોબાઈલ લોકેશનના આધારે કાજલને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પત્ની કાજલ બેગ લઈને ઘરની બહાર નીકળી ગઈ: બાળકીના પિતા
પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના બિહારના ગયા ચકર બજારના રહેવાસી મનોજ કુમાર ગૌશાળાના ઘરની છે. મનોજ ચોક પાસે મીઠાઈની દુકાનમાં કામ કરે છે. તેમજ મનોજે 2019માં ચતુર્ભુજ સ્થાન વિસ્તારની કાજલ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને સાડા ત્રણ વર્ષની દીકરી મિસ્ટી હતી. મનોજના કહેવા પ્રમાણે, શુક્રવારે કાજલે તેને કહ્યું હતું કે પોતાની માસીની બર્થડે હોય, હું ત્યાં જઈ રહી છું. બસ આટલું કહી કાજલ બેગ લઈને ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન આજે શનિવારે મનોજના ઘરની પાછળ એ જ બેગમાંથી મિસ્ટીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ એ જ બેગ હતી જે લઈને કાજલ ઘરની બહાર નીકળી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે મિથાનપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રામ ઈકબાલ પ્રસાદે જણાવ્યું હતું કે મિથાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નુનફર વિસ્તારમાંથી માહિતી મળી હતી કે એક સુટકેસમાંથી પેક કરેલી બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાં ફેંકવામાં આવ્યો હતો. ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી એ જ વિસ્તારના મનોજ કુમારની પુત્રી છે જે ગઈકાલે પોતાની માતા કાજલ સાથે ઘરની બહાર નીકળી હતી. ત્યારે ઘટના બાદ કાજલ ગુમ છે. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત એફએસએલની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.

Most Popular

To Top