સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કિશોરીના મૃત્યુના કારણો જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
16 વર્ષની કિશોરી અસ્વિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં મળ્યો છે. અસ્વિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે સાંજે અસ્વિતા પોતાની સખીના ઘરે જવા નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન આવતાં પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મોબાઇલ ફોન ન ઉપડતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું. પોલીસ જ્યારે પાંડેસરાના સપનોલોક બાંધકામ સાઇટ પર પહોંચી, ત્યારે અસ્વિતા મૃત હાલતમાં મળી આવી. હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.