SURAT

DNA મેચ થયા બાદ અડાજણના તબીબ દંપતીના મૃતદેહ સુરત લાવવામાં આવ્યા, જહાંગીર પુરા ખાતે અંતિમ સંસ્કાર

સુરત: અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેન ક્રેશ થતાં સુરતના 11 નાગરિકો સહિત 241 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા. આ અકસ્માતમાં મૃતદેહ પરિવારજનોને સોંપવા માટે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં  ડીએનએ સેમ્પલિંગ  મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારે સુરત અડાજણ ખાતે રહેતા અને લંડન જઈ રહેલા ડોક્ટર હિતેશ શાહ અને ડો. અમિતા શાહનાં ડીએનએ સેમ્પલ મેચ થતાં પરિવારજનોને તેઓના મૃતદેહ સુપરત કરાયા હતા. હતભાગી ડોક્ટર દંપતીના મૃતદેહને અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા સુરત અડાજણ સુજાતા સોસાયટી ખાતે બંનેના મૃતદેહ ને 10 મિનિટ  માટે નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. અને ત્યાંથી અંતિમ વિધિ માટે જહાંગીર પુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે લઈ જવાયા હતા. 

12 જૂન ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ પ્લેનમાં સવાર સુરત શહેર – જિલ્લામાં 11 મુસાફરો પણ મોતને ભેટતા તેઓનાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે  ડીએનએ સેમ્પલિંગ મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાંદેર ખાતે  નવયુગ કોલેજ પાસે  સુજાતા સોસાયટીમાં રહેતા અને લંડન જઈ રહેલા ડો. અમિતા શાહ અને તેમના પતિ ડો. હિતેશ શાહનું પણ આ ગોઝારા અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

જેઓનાં ડીએનએ સેમ્પલિંગ  મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડો. અમિતા શાહ નું ડીએનએ તેમના બહેન ફાલ્ગુનીબેન સાથે મેચ થયું હતું જ્યારે ડો. હિતેશ શાહનું ડીએનએ તેમનાં અમેરિકા ખાતે રહેતા પુત્ર સ્મિત સાથે મેચ થતા તંત્ર દ્વારા આ બંને મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલથી ડો. અમિતા શાહ અને ડો. હિતેશ શાહના મૃતદેહ અલગ-અલગ એમ્બ્યુલન્સમાં સુરત તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યા હતા. અને ત્યાંથી અંતિમ વિધિ માટે 10 મિનિટ બાદ જહાંગીરપુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે લઈ જવાયા હતા.

Most Popular

To Top